Friday - May 08, 2026

ઈસાઈ મિશનરીની સમકક્ષ શાળાઓ બનાવી ઝઘડાનું નિરાકરણ કરવા નાની લાઈન સામે મોટી લાઈન ખેંચો : જગતગુરુ શંકરાચાર્ય

ઈસાઈ મિશનરીની સમકક્ષ શાળાઓ બનાવી ઝઘડાનું નિરાકરણ કરવા નાની લાઈન સામે મોટી લાઈન ખેંચો : જગતગુરુ શંકરાચાર્ય

હળવદમાં વિશાળ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યએ ચાંદલો અને ચોટી પર પ્રતિબંધ મૂકતી સ્કૂલોમાં બાળકોને ન મોકલવાની અપીલ કરી હિન્દુઓને પોતાની શાળાઓ બનાવવાની હાકલ કરી

હળવદ : હળવદ શહેરમાં આયોજિત એક વિરાટ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આજની શિક્ષણ વ્યવસ્થામાં ધર્મની કોઈ શિક્ષા આપવામાં આવતી નથી.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વાલીઓને સીધો સવાલ કર્યો હતો કે, જે શાળાઓમાં બાળકોને ચંદનનો ચાંદલો કરવા, ચોટી રાખવા, હાથમાં કલાવો બાંધવા કે તિલક કરવા પર પ્રતિબંધ હોય તેવી ક્રિશ્ચિયન શાળાઓમાં તમે તમારા બાળકોને અભ્યાસ માટે શા માટે મોકલો છો ? જ્યાં ધાર્મિક પ્રતીકોનો વિરોધ થતો હોય ત્યાં બાળકોને મોકલવા જોઈએ નહીં. આપણે આપણા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ.

મોટી ઈમારતો બનાવો છો તો પોતાની શાળાઓ કેમ નહીં ?

તેમણે સમાજના સક્ષમ લોકો અને બિલ્ડરોને આડેહાથ લેતા ટકોર કરી હતી કે, તમે લોકો મોટી-મોટી કોલોનીઓ, હોસ્પિટલો, રસ્તાઓ અને ઈમારતો બનાવો છો, તો પછી પોતાના સમાજ માટે એક મોટી અને સુવિધાયુક્ત શાળા કેમ નથી બનાવી શકતા ? તેમણે સરસ્વતી શિશુ મંદિરનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં કોઈને ચાંદલો કરતા કે જનોઈ પહેરતા રોકવામાં આવતા નથી, પરંતુ આવી સનાતની શાળાઓની સંખ્યા હાલ ખૂબ ઓછી છે.

સમાજને ટ્રસ્ટ અને સંસ્થાઓ બનાવી શિક્ષણ ક્ષેત્રે આગળ આવી સનાતન ધર્મની રક્ષા કરવા હાકલ

શંકરાચાર્યએ હિન્દુ સમાજને અપીલ કરી હતી કે મિશનરી શાળાઓ જેવી જ ઉચ્ચ ગુણવત્તા અને સ્ટાન્ડર્ડવાળી શાળાઓ આપણે જાતે બનાવવી જોઈએ. જો આપણે તે જ સ્તરની શાળાઓ બનાવીશું, તો આપણા બાળકોને ત્યાં જવાની જરૂર જ નહીં પડે. તેમણે ઝઘડા કે વિવાદ કરવાના બદલે રચનાત્મક ઉકેલ પર ભાર મૂકતા કહ્યું કે, "નાની લાઈન ભૂંસવા કરતા તેની આગળ એક મોટી લાઈન ખેંચી દો." આ માટે તેમણે સમાજને ટ્રસ્ટ અને સંસ્થાઓ બનાવી શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા અને સનાતન ધર્મની રક્ષા કરવા આહ્વાન કર્યું હતું.