મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ પર્યાવરણ અને જાહેર હિતને ધ્યાને લઇ ડો.બાબા સાહેબની રેલીમાં કલર નહિ ઉડાડી ફટાકડા પણ નહિ ફોડે
બંધારણના ઘડવૈયા ડો. બાબા આંબેડકરનો જન્મોત્સવ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાનો નિર્ણય લેવાયો
મોરબી : મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી સમયમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા આંબેડકરની જન્મજયંતિના આયોજન અને તૈયારી વિશે મહત્વની બેઠક યોજાઇ હતી. મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ જાહેર હિતને ધ્યાને લઇ ડો.બાબા સાહેબની રેલીમાં કલર નહિ ઉડાડે અને ફટાકડા નહિ ફોડે તેવું જાહેર કરીને બંધારણના ઘડવૈયા ડો. બાબા આંબેડકરનો જન્મોત્સવ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતના સંવિધાન એટલે બંધારણના નિર્માતા, વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની આગામી 135મી જન્મજયંતી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય શોભાયાત્રા કાઢીને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તાજેતરમાં સમાજના બંધુઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અગાઉ દર વર્ષે મુખ્ય રેલી રેલ્વે સ્ટેશન રોડ, સમાજવાડી, મોરબીથી શરૂ કરવામાં આવતી પરંતુ હાલમાં ત્યાં રોડનું કામ શરૂ હોવાથી રોડ બંધ કર્યો છે જેથી આ રેલી આગામી 14 એપ્રિલેના સવારે 9 કલાકે વીસી ફાટક, વી.સી હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી ગેસ્ટ હાઉસ રોડ, ત્રિકોણબાગથી નગરદરવાજા ચોકથી, ડો. બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ ખાતે આ રેલી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી શાંતિપૂર્ણ યોજાય તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે આ શોભાયાત્રા દરમિયાન એક પણ ફટાકડા ફોડવામાં આવશે નહીં તેમજ કોઈપણ પ્રકારના કલર ઉડાડવા નહીં. આથી સમાજના લોકોને રેલીમાં કલર કે ફટકકડા ન લઈને આવવાની તાકીદ કરાઈ છે. રેલી દરમિયાન બાઇક-બુલેટ મોટા સાઈલેશનથી ભારે અવાજ કરતા હોવાથી કોઈપણ લોકોને બાઇક -બુલેટના સાઈલેશનથી મોટા અવાજો ન કરવા તેમજ કોઈપણ પ્રકારના હથિયાર આ રેલીમાં લાવી શકશે નહીં તેવો પણ ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. આ શોભાયાત્રામાં અનુસૂચિત જાતિ/ જનજાતિ સમાજના તેમજ અન્ય તમામ લોકોને, વેપારી મંડળને, પત્રકાર મિત્રોને બહોળી સંખ્યામાં જોડાવા સમાજના બંધુઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.