Thursday - Jul 02, 2026

મોરબીમાં સીરામીક ઉધોગના શટડાઉનથી 4 લાખ શ્રમિકો આર્થિક રીતે બેહાલ

મોરબીમાં સીરામીક ઉધોગના શટડાઉનથી 4 લાખ શ્રમિકો આર્થિક રીતે બેહાલ

20 દિવસથી કારખાના બંધ હોય ઉપરથી લાંબો સમય આજ ગંભીર પરિસ્થિતિ રહે તો ભવિષ્ય અંધકારમય બની જવાની શ્રમિકોએ હૈયાવરાળ ઠાલવી

(રવિ બરાસરા) : બે દેશો વચ્ચેના ભીષણ યુદ્ધે મોરબીના રોજનું કમાઈને રળી ખાતા 4 લાખથી વધુ શ્રમિકોને બેરોજગાર કરી નાખ્યા છે. જેમાં સીરામીક ઉધોગને વિશ્વની ટોચે પહોંચાડવામાં જેમનો સિંહફાળો છે તેવા લાખો કામદારોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેવા કપરા સંજોગો સામે આવ્યા છે. ગેસની કટોકટીને કારણે સીરામીક ઉધોગના 90 ટકા એટલે 600 જેટલા કારખાનાઓએ એક માસનું શટડાઉન જાહેર કરતા શ્રમિકોના મનમાં ફાળ પડી હતી. કારણ કે, 12 કલાકની કાળી મજૂરી કરે અને સંજોગવસાત રજાઓ આવે તો એને બાદ કરતાં મહિને સરેરાશ 12થી 18 હજાર સુધીનું માસિક વેતન હાથમાં આવે, આટલી આવકમાં બાળકોની સ્કૂલ ફી, ઘરડા માબાપની સેવા, ઇમરજન્સી ખર્ચ, ઘરે મહેમાન આવે તો એમની આગતા સ્વાગતા કરવી અને કોઈના ઘરે પ્રસંગે જવા માટેના ખર્ચ વંઢોરવામાં નાકે દમ આવી જાય છે. હવે 20 દિવસથી કારખાનાઓ બંધ હોવાથી ઘરે રહેલા મજૂરોને ઘરનું ભરણપોષણ કેવી રીતે ચલાવવું તેની ચિંતા સતત ઉધયની જેમ કોરી ખાય છે. જો કે કારખાના ચાલુ હોય ત્યારે પણ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. તેમાંય હવે તો કારખાના બંધ થઈ ગયા એટલે ઘરનો ગુજારો કેવી કરવો ? એ વિચારીને ધ્રુજી ઉઠાય છે. અને લાંબા સમય સુધી કારખાનાઓ બંધ રહેશે તો બેરોજગાર રહેલા મજૂરોનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવી મંજૂરોએ વેદના વ્યક્ત કરી છે.
 

મોરબીમાં સીરામીક ઉધોગના શટડાઉનથી 4 લાખ શ્રમિકો આર્થિક રીતે બેહાલ

જેના ઉપર વીતી હોય એને પરિસ્થિતિની ખબર હોય !

મોરબીના સામાકાંઠે આવેલા ચામુંડાનગરમાં રહેતા પપ્પુભાઈ કેશુભાઈ વંઘેલા નામના શ્રમિક કહે છે કે, અમારું માવતર, ભાઈ,ભાભી, બાળકો સહિત 11 વ્યક્તિઓ કુટુંબ છે. આટલા મોટા કુટુંબ વચ્ચે હું અને મારા મોટા ભાઈ એમ બે જ વ્યક્તિ કમાનાર છે. એમાં મારુ કારખાનું 4 માર્ચથી બંધ થઈ ગયું છે. એટલે રોજ 12 કલાક મજૂરી કરું અને રજા કપાત થઈને મહિને જે સરેરાશ 18 હજારની આવક થતી હતી એ બંધ થઈ ગઈ છે. હવે આખા ઘરનો બોજો એકલા મારા ભાઈ ઉપર આવી પડ્યો છે. એમની મહિનાની 12 કે 15 હજારની આવકમાં બાળકોને ભણાવવા, પિતાની દવાનો ખર્ચ તેમજ આખા ઘરના સભ્યોનું પેટ ભરવું કઠિન છે. એટલે જેના ઉપર વીતી હોય એને પરિસ્થિતિ ગભીરતાની ખબર હોય.

મોટા બહેન સફાઈ કામ કરી ભરણપોષણ કરે છે

મોરબીના નઝરબગ રેલવે સ્ટેશન સામે પશુરામ પોટરીના મજૂરોના ક્વાર્ટરમાં રહેતા કાનજી માવજી સોલંકી કહે છે કે, સીરામીક કારખાનાના ગોડાઉનમાં સતત 12 કલાક માલ લોડ એટલે ટાઇલ્સ ભરેલા બોક્સને ઉઠાવીને વ્યવસ્થિત ગોઠવીને મહિનો સુધી મજૂરી કરું ત્યારે 15 કે 18 હજારનો પગાર મળે છે. પણ કારખાનું બંધ થઈ જતા આવક પણ બંધ થઈ ગઈ છે. અમારું ચાર સભ્યોનું કુટુંબ છે. એમાં કમાનાર હું અને મારા મોટા બહેન જ છે. મારું કામ બંધ થઈ ગયું એટલે મારા મોટા બહેન ઉપર ઘરની જવાબદારી આવી પડી છે. તેઓ એક કારખાનામાં સફાઈ કામ કરીને મહિને 5 હજાર કમાઈને ઘરનું ગુજરાન ચલાવે છે.
 

મોરબીમાં સીરામીક ઉધોગના શટડાઉનથી 4 લાખ શ્રમિકો આર્થિક રીતે બેહાલ

હવે નિર્ધારિત સમયે કારખાના ચાલુ નહિ થાય તો પરિસ્થિતિ નાજુક થશે

મોરબીના સોઓરડી વરિયાનગરમાં રહેતા હસનભાઇ ખોખર નામના શ્રમિક કહે છે કે,   તેમનું કારખાનું તો 25 દિવસથી બંધ છે. જો કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. પરિવારમાં તેઓ અને તેમના ભાઈ જ  કમાઈ છે. કારખાના બંધ થવાથી રોજગારી છીનવાઈ જતા અમે પડી ભાંગ્યા છીએ. અત્યારે હાલત તો કપરી છે જ. પણ નિર્ધારિત સમય એટલે જે એક મહિનાનું શટડાઉન પૂરું થાય તરત કારખાના ચાલુ નહિ થાય તો અમારા જેવા અનેક શ્રમિકોની હાલત નાજુક બની જશે.
 

મોરબીમાં સીરામીક ઉધોગના શટડાઉનથી 4 લાખ શ્રમિકો આર્થિક રીતે બેહાલ

કારખાના લાંબો સમય બંધ રહે તો દેવું કરવું પડશે

મોરબીના ભડિયાદ રોડ ઉપર રામદેવપીર ઢોરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ વાલજીભાઈ વાણિયા નામના શ્રમિકે કહ્યું હતું કે, કારખાનું બાર દીવસ બંધ છે. ઘરમાં ચાર સભ્યોમાં કમાનાર તેઓ એક જ છે.રોજ 12 કલાકની મજૂરી કરતા અને ઘર લઈને બેઠા હોય રજા આવે એને બાદ કરતા 12 હજાર જ પગાર મળે છે. આટલા પગારમાં ઘરના બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં હવે આ કારખાના બંધ થયા અને લાંબો સમય બંધ રહે તો ઘરના સભ્યોનું પેટ ભરવા ઉધાર ઉછીના લઈ દેવું પણ કરવું પડે એવી હાલત છે.

મોરબીમાં સીરામીક ઉધોગના શટડાઉનથી 4 લાખ શ્રમિકો આર્થિક રીતે બેહાલ