Thursday - Jul 02, 2026

લાતીપ્લોટમાં ‘આઈ શ્રી એન્ટરપ્રાઈઝ’ ચલાવતા દંપતી સામે વ્યાજખોરીની બે ફરિયાદ નોંધાઈ

લાતીપ્લોટમાં ‘આઈ શ્રી એન્ટરપ્રાઈઝ’ ચલાવતા દંપતી સામે વ્યાજખોરીની બે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક અભિયાન શરૂ કરાયા બાદ હવે એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં યોજાયેલા લોકદરબારમાં પોલીસ દ્વારા લોકોને ડર્યા વગર આગળ આવી ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવતા વ્યાજખોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં લાતીપ્લોટ વિસ્તારમાં ‘આઈ શ્રી એન્ટરપ્રાઈઝ’ નામે પેઢી ચલાવતા દંપતી સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીમાં ઓરકેસ્ટ્રાના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈ ભીખાભાઈ પઠાણે વ્યાજખોરી મામલે ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને તેમની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વર્ષ 2021 દરમિયાન આરોપી ભાવિન ત્રિવેદી પાસેથી રૂ. 2.40 લાખ વ્યાજે લીધા હતા. તે સમયે આરોપીએ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કોરા ચેક તેમજ સોનાના દાગીના ગીરો મુકાવ્યા હતા.

ફરિયાદીએ અત્યાર સુધીમાં મુદ્દલ અને વ્યાજ મળી કુલ રૂ. 7,67,500 જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી દંપતીએ સોનાના દાગીના અને કોરા ચેક પરત આપ્યા નહોતા.

આ ઉપરાંત, અન્ય એક કિસ્સામાં સોનલબેન બાબુભાઈ સોલંકીને પણ આરોપીઓએ રૂ. 2.50 લાખ વ્યાજે આપી તેની સામે રૂ. 5 લાખનું લખાણ કરાવી લીધું હતું. એટલું જ નહીં, તેમની પાસેથી મોટરસાયકલ પણ બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવ્યું હતું.

ફરિયાદ મુજબ, આરોપી દંપતીએ બંને પીડિતો પાસેથી વધુ નાણાંની ઉઘરાણી કરવા દબાણ કર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

આ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને તેમની પત્ની સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.