Thursday - Apr 16, 2026

મોરબીના ચામુંડાનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવની અનોખી ઉજવણી

મોરબીના ચામુંડાનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવની અનોખી ઉજવણી

બે બાળકોએ જ્યોતિબા ફૂલે અને ડૉ.બાબા સાહેબના ગેટઅપ ધારણ કરી કેક કટીંગ કર્યું


મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યે ચામુંડાનગર યુવા ટીમ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શ્રમજીવીઓની વસાહત ધરાવતા ચામુંડાનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં બાળકો, મહિલાઓ, યુવાનો સહિત આખો વિસ્તાર ઉમટી પડ્યો હતો અને બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી કોટી કોટી વંદન કર્યા હતા. જ્યારે બે બાળકોના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક બાળકને જ્યોતિબા ફૂલે અને બીજા બાળકને બાબા સાહેબ આંબેડકરના ગેટઅપ ધારણ કરી આ બન્નેની એન્ટ્રી ચામુંડાનગર ચોકમાં કરવામાં આવી હતી ત્યારે તેમના ઉપર હર્ષનાદ અને જયભીમના નારા સાથે પૃષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબના ગેટઅપમાં બંધારણના પવિત્ર ગ્રંથ સાથે ઉભા રહી આ બન્ને બાળકોના હસ્તે કેક કટીંગ કરીને હેપી બર્થ ડે બાબા સાહેબ ગીત ગાયને બાબા સાહેબના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરવામાં આવ્યા હતા. બાદમાં સમગ્ર લતાવાસીઓને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો અને બાબા સાહેબે બંધારણમાં આપેલા સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, એકતા, શિક્ષણ સહિતના તમામ અધિકારો અને કાયદાઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેમજ ભીમ ભજન, શોર્ય ગીતો અને તમામે સાથે મળીને ભીમ રાસ રજૂ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધીરજ સોલંકી, વિક્રમ ભંખડીયા, નટુભાઈ સોલંકી, જે.ડી. સોલંકી, જીતુ ચાવડા, અંકિત ભંખડીયા, સંજય સોલંકી, રમેશ સોલંકી સહિતની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.