Sunday - Sep 06, 2026

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો સન્માન સમારોહ યોજાયો: કુ માધવી રાઠોડનું વિશિષ્ટ સન્માન

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો સન્માન સમારોહ યોજાયો: કુ માધવી રાઠોડનું વિશિષ્ટ સન્માન

મોરબી:મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિન નિમિત્તે માળિયા રોડ સ્થિત શારદા સ્કૂલ (આર્યાવર્ત સંકુલ) ખાતે જિલ્લા કક્ષાના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાઓ તથા બોર્ડ પરીક્ષાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માર્ચ ૨૦૨૬ની ધોરણ ૧૦ (S.S.C.) ની બોર્ડ પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થિની કુ. માધવી સંજયભાઈ રાઠોડનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા દ્વારા આપવામાં આવેલા સન્માનપત્રમાં તેમની અથાગ મહેનત અને સિદ્ધિને બિરદાવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો સન્માન સમારોહ યોજાયો: કુ માધવી રાઠોડનું વિશિષ્ટ સન્માન

કાર્યક્રમ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો છેલ્લા ૪ વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવી રહ્યો છે, જે જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે. તેમણે શિક્ષકોને વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી થવા અને વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસિસ તરફ વાળવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આધુનિક એ.આઈ. (AI) યુગમાં શિક્ષકોને નવી ટેકનોલોજી શીખી શિક્ષણ પદ્ધતિ અપડેટ કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે બાળકોમાં નૈતિકતા, સમયપાલન અને પારિવારિક મૂલ્યોનું સિંચન કરવા પર ભાર મૂક્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી સૌને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ ગાંભવા, ઇ.આઇ. ધર્મિષ્ઠાબેન, હિતેશભાઈ સરડવા અને સતીષભાઈ ધનજા વગેરેની ટીમે સંભાળ્યું હતું.