Thursday - Sep 03, 2026

ગેસના ભાવનો ‘ડબલ ડોઝ’... મોરબીના સિરામિક ઉદ્યોગને હવે નફો બચાવવો મોટો પડકાર

ગેસના ભાવનો ‘ડબલ ડોઝ’... મોરબીના સિરામિક ઉદ્યોગને હવે નફો બચાવવો મોટો પડકાર

નેચરલ ગેસ રૂ.100ને પાર અને પ્રોપેન રૂ.91.55: ઉત્પાદન ખર્ચ વધતા ટાઇલના ભાવથી માંડીને ટ્રેડિંગ, એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટ સુધી અસરની શક્યતા

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ માત્ર સ્થાનિક ઉત્પાદનનું કેન્દ્ર નથી, પરંતુ દેશના ટાઇલ બજાર અને નિકાસ વેપારનું મોટું આધારસ્તંભ છે. આવા સમયે ઈંધણના ભાવમાં ફરી વધારો થતાં ઉદ્યોગ સામે માત્ર ‘ગેસ મોંઘો થયો’ એટલો પ્રશ્ન નથી રહ્યો. હવે સૌથી મોટો સવાલ એ છે કે વધેલા ઉત્પાદન ખર્ચનો બોજો ઉત્પાદક, ટ્રેડર, ડીલર કે અંતે ગ્રાહક—કોણ ઉઠાવશે? સપ્ટેમ્બર મહિનામાં નેચરલ ગેસનો ભાવ રૂ.90થી વધુ અને વેટ-ટેક્સ સહિત રૂ.100ની આસપાસ પહોંચે છે, જ્યારે પ્રોપેનનો મોરબી પહોંચનો ભાવ રૂ.91.55 થયો છે. એટલે બંને મુખ્ય ઇંધણ વિકલ્પો મોંઘા થતાં સિરામિક ઉદ્યોગને એકસાથે બે તરફથી ખર્ચનો ફટકો પડ્યો છે.

સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં ગેસનો હિસ્સો મોટો હોવાથી ઈંધણના ભાવમાં સામાન્ય વધારો પણ આખી કોસ્ટિંગ ચેઇનને અસર કરે છે.  ગેસ કુલ ટાઇલ્સના ઉત્પાદન ખર્ચમાં આશરે 40% સુધીનો હિસ્સો ધરાવે છે. મોરબીની ફેક્ટરીમાં કાચો માલ, ગ્લેઝ, પેકિંગ, વીજળી, મજૂરી, પરિવહન અને ગેસ—આ તમામ ખર્ચ મળીને ટાઇલની ઉત્પાદન કિંમત નક્કી થાય છે. તેમાં ગેસ સૌથી મહત્વના ખર્ચ પૈકી એક હોવાથી ગેસના ભાવમાં વધારો થતાં પ્રતિ બોક્સ ટાઇલની કોસ્ટિંગ ઉપર સીધી અસર પડે છે.પરંતુ સમસ્યા એ છે કે ઉત્પાદક તરત જ આખો વધારાનો ખર્ચ બજારમાં વસૂલ કરી શકે તેવી સ્થિતિમાં નથી. ઘરેલું બજારમાં ભાવની સ્પર્ધા ભારે છે અને ટ્રેડિંગમાં ડીલરો-ડિસ્ટ્રિબ્યુટરોના માર્જિન પણ મર્યાદિત છે. પરિણામે વધેલો ખર્ચ પહેલા ઉત્પાદકના નફાના માર્જિનને દબાવવાની શક્યતા છે.

ઉત્પાદન ઘટે તો ટ્રેડિંગ સેક્ટર પર પણ અસર

મોરબીમાં સીરામીકનું ઉત્પાદન ઘટે તો તેની અસર માત્ર ફેક્ટરી સુધી સીમિત રહેતી નથી. કાચા માલના સપ્લાયર, પેકિંગ મટિરિયલ, ટ્રાન્સપોર્ટ, લોડિંગ-અનલોડિંગ, ડીલર, ડિસ્ટ્રિબ્યુટર અને ટાઇલ ટ્રેડિંગ સાથે જોડાયેલા સમગ્ર વ્યવસાય પર તેની અસર પડે છે. જો વધેલા ગેસ ખર્ચને કારણે નાની-મધ્યમ ફેક્ટરીઓ ઓછા ઉત્પાદન તરફ વળે તો બજારમાં ચોક્કસ ડિઝાઇન અને સાઇઝની સપ્લાય ઘટી શકે છે. બીજી તરફ ઉત્પાદન ચાલુ રાખનારા ઉત્પાદકો માટે ઊંચી કોસ્ટના કારણે વેચાણ કિંમત વધારવાની ફરજ પડી શકે છે.

ડોમેસ્ટિક માર્કેટમાં ‘ભાવ વધારવો કે માલ અટકાવવો?’ની સ્થિતિ

મોરબીનો મોટો જથ્થો દેશના વિવિધ રાજ્યોમાં વેચાય છે. અગાઉ નિકાસ બજારમાં મુશ્કેલી ઊભી થતાં વધેલો સ્ટોક દેશના બજારમાં આવતાં ભાવ ઉપર દબાણ સર્જાયું હતું.  નિકાસમાં મુશ્કેલીના સમયમાં મોરબીના 5-10% જેટલા નિકાસ જથ્થાનું ડાયવર્ઝન ડોમેસ્ટિક માર્કેટમાં થયું હતું, જેના કારણે સ્થાનિક બજારમાં સ્પર્ધા અને ભાવનું દબાણ વધ્યું હતું. હવે ગેસ મોંઘો થવાના કારણે ઉત્પાદન ખર્ચ વધે અને બીજી તરફ ડોમેસ્ટિક માર્કેટ ભાવ સ્વીકારવા તૈયાર ન હોય તો ઉદ્યોગકાર સામે બે વિકલ્પ રહે છે. ભાવ વધારો કરીને વેચાણ જાળવવું અથવા માર્જિન ઘટાડીને બજારનો હિસ્સો બચાવવો.

એક્સપોર્ટમાં ગેસ સાથે ફ્રેઇટનો પણ ડબલ ફટકો

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વિદેશી બજાર મહત્વનું છે. પરંતુ હાલ નિકાસકારો માટે માત્ર ઉત્પાદન ખર્ચ જ સમસ્યા નથી. ગેસના ભાવ ઉપરાંત કન્ટેનરની ઉપલબ્ધતા, શિપિંગ અને ફ્રેઇટ ખર્ચ પણ સ્પર્ધાત્મકતા નક્કી કરે છે.એપ્રિલ-જૂન 2026 દરમિયાન મોરબીના સિરામિક એક્સપોર્ટમાં વાર્ષિક ધોરણે આશરે 70%નો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ-જૂન 2025માં આશરે રૂ.5,200 કરોડના એક્સપોર્ટ સામે એપ્રિલ-જૂન 2026માં આ આંકડો આશરે રૂ.1,700 કરોડ રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઉત્પાદન ખર્ચમાં વધારો ડોલર આધારિત વેચાણ કિંમતમાં સામેલ કરી શકાય નહીં તો રૂપિયો નબળો પડવાથી મળતી વધારાની રકમનો લાભ પણ માર્જિનમાં જ શોષાઈ શકે છે. એટલે હાલ નિકાસકારો માટે માત્ર ‘ડોલર કેટલો થયો?’ કરતાં ‘એક કન્ટેનર વિદેશ મોકલ્યા પછી હાથમાં કેટલું બચે છે?’ એ વધુ મહત્વનો સવાલ બની રહ્યો છે.

સસ્તી ટાઇલ્સની સામે હવે કોસ્ટ સૌથી મોટો પડકાર

મોરબીનો સિરામિક ઉદ્યોગ વર્ષોથી મોટા પાયે ઉત્પાદન અને સ્પર્ધાત્મક ભાવના આધારે દેશ-વિદેશના બજારમાં ટકી રહ્યો છે. પરંતુ સતત ઊંચા ઈંધણ ખર્ચથી આ કોસ્ટ એડવાન્ટેજ ઉપર દબાણ આવી શકે છે. ખાસ કરીને જ્યારે વિદેશી બજારમાં ચીન સહિતના ઉત્પાદકો સાથે ભાવની સ્પર્ધા કરવી પડે ત્યારે ભારતીય ટાઇલની કિંમતમાં નાનો વધારો પણ ઓર્ડર મેળવવાની ક્ષમતા ઉપર અસર કરી શકે છે.

ઉદ્યોગ સામે હવે ત્રણ રસ્તા

સપ્ટેમ્બરના ગેસ-પ્રોપેન ભાવ વધારા બાદ મોરબીના સિરામિક ઉદ્યોગ સામે હવે ત્રણ મુખ્ય પડકાર ઊભા થયા છે

1. ઉત્પાદન ખર્ચ ઘટાડવો કે વેચાણ ભાવ વધારવો?
2. ડોમેસ્ટિક માર્કેટમાં માર્જિન બચાવવું કે માર્કેટ શેર?
3. નિકાસમાં ઊંચા ફ્રેઇટ અને ઈંધણ ખર્ચ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જાળવવી?

આ ત્રણેય સવાલનો જવાબ આગામી મહિનાઓમાં મોરબીના સિરામિક ઉદ્યોગની દિશા નક્કી કરી શકે છે. અર્થાત્, ગેસના ભાવમાં વધારો માત્ર ભઠ્ઠીની આગ મોંઘી થવાનો મામલો નથી; તેની ગરમી હવે ટાઇલની કોસ્ટિંગથી લઈને મોરબીના ટ્રેડિંગ બજાર, દેશના બિલ્ડિંગ માર્કેટ અને વિદેશથી આવતા ડોલર સુધી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ છે.