જડેશ્વર મહાદેવ મંદિરથી દરબારગઢ-નગર દરવાજા ચોક સુધીના રૂટ પર કામગીરી કરાઈ
મોરબી : મોરબીમાં સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાનારી શોભાયાત્રાના રૂટ પર રસ્તાના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. શોભાયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને જડેશ્વર મહાદેવ મંદિરથી દરબારગઢ-નગર દરવાજા ચોક સુધીના વિસ્તારમાં આરસીસી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.
મોરબી મહાનગરપાલિકાના માર્કેટ કમિટી ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી દ્વારા શોભાયાત્રાના રૂટ પર રસ્તાની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મનપાના પદાધિકારીઓ સાથે સંકલન કરીને સંબંધિત વિસ્તારમાં આરસીસી પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જન્માષ્ટમી શોભાયાત્રાના આયોજન અંગે યોજાયેલી બેઠક દરમિયાન રૂટ પર રસ્તાના સમારકામનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગેની રજૂઆત બાદ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે સર્વ હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય એ શોભાયાત્રા જડેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ દરબારગઢ અને નગર દરવાજા ચોક સહિતના માર્ગો પરથી પસાર થવાની હોવાથી રૂટ પર જરૂરી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.