Sunday - Sep 06, 2026

મોરબી લાયન્સ ક્લબ નઝરબાગની અનોખી કાયમી સેવા—પાડા પુલ પરની ૧૦૦ જેટલી બેન્ચનું રંગરોગાન કરી કરાયું કાયાકલ્પ

મોરબી લાયન્સ ક્લબ નઝરબાગની અનોખી કાયમી સેવા—પાડા પુલ પરની ૧૦૦ જેટલી બેન્ચનું રંગરોગાન કરી કરાયું કાયાકલ્પ

મોરબી:જાહેર જનતાના હિતાર્થે હંમેશા અગ્રેસર રહેતી લાયન્સ ક્લબ ઓફ મોરબી–નઝરબાગ દ્વારા એક ઉત્કૃષ્ટ સેવાકીય પહેલના ભાગરૂપે ઐતિહાસિક પાડા પુલ પર મુકવામાં આવેલી આશરે ૧૦૦ જેટલી બેન્ચોનું સમારકામ અને રંગરોગાન કરાવી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.

તહેવારોના દિવસોમાં નાગરિકોની સુવિધા અર્થે ક્લબ દ્વારા પાડા પુલ પર આ બેન્ચો બેસાડવામાં આવી હતી. સામાન્ય રીતે સેવાકાર્યો માત્ર લોકાર્પણ પૂરતા સીમિત રહેતા હોય છે, પરંતુ લાયન્સ ક્લબ ઓફ મોરબી–નઝરબાગે આ પ્રોજેક્ટને કાયમી સેવાકીય પ્રકલ્પ બનાવીને દર વર્ષે આ બેન્ચોની યોગ્ય માવજત, રિપેરિંગ અને કલરકામ કરવાની અનુકરણીય પરંપરા જાળવી રાખી છે. આ કામગીરીથી જાહેર મિલકતોની જાળવણી સાથે પાડા પુલની સુંદરતામાં પણ મોટો વધારો થયો છે. સાંજ-સવારે અહીં લટાર મારવા આવતા સ્થાનિક નગરજનો અને વડીલો માટે હવે સ્વચ્છ અને સુવિધાજનક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ બની છે.

મોરબી લાયન્સ ક્લબ નઝરબાગની અનોખી કાયમી સેવા—પાડા પુલ પરની ૧૦૦ જેટલી બેન્ચનું રંગરોગાન કરી કરાયું કાયાકલ્પ

આ સમગ્ર પ્રકલ્પનું કુશળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો. રવિન્દ્ર ભટ્ટે સંભાળ્યું હતું. તેમની આ સેવાભાવના અને સતત નિષ્ઠાને બિરદાવતા ક્લબના પ્રેસિડેન્ટ લાયન સચીનભાઈ કોટેચાએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
"સેવા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ સતત માવજત અને જવાબદારી સાથે નિભાવાતું કર્તવ્ય છે" તેવા ઉમદા વિચારને ચરિતાર્થ કરતાં ક્લબે ભવિષ્યમાં પણ આવા લોકઉપયોગી અને જનહિતલક્ષી કાર્યોને વધુ વેગવંતું બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો છે.