ગ્રામ્ય કક્ષાના 79 વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ : વિજેતાઓને વિદ્યાર્થી સન્માન સમારોહમાં શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત
મોરબી : મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા રવિવારે શ્રી રાંદલ વિદ્યાલય, મોરબી ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર કુલ 79 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કસોટીમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ, પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગર તેમજ પૂર્વ પ્રમુખ ડૉ. રામભાઈ વારોતરીયાએ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાની કસોટી દરમિયાન ગ્રામ્ય કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આર્થિક યોગદાન સ્વર્ગસ્થ મીતાંશ ડાંગરની સ્મૃતિમાં ડાંગર રાણાભાઈ જેસંગભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. સામાન્ય જ્ઞાન કસોટીના સુપરવાઇઝર તરીકે કરસનભાઈ ખીમાણીયા, અજીતભાઈ બોરીચા અને વસંતભાઈ રાઠોડે કામગીરી સંભાળી હતી.
મંડળે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને આગામી વિદ્યાર્થી સન્માન સમારોહમાં શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મહેશભાઈ ડાંગર તેમજ અજયભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, સાગરભાઈ ચાવડા, યશપાલભાઈ લોખિલ, ગૌરાંગ ગોહિલ, વિજય કાનગડ, રમેશભાઈ છૈયા સહિત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સહમંત્રી રાજેશભાઈ મંઢે કર્યું હતું, જ્યારે અંતે મંત્રી મહેશભાઈ ડાંગરે આભારવિધિ કરી હતી.