મોરબી : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાઈ ગયા છે. જેમા રાજકીય ક્ષેત્રે અને સોશિયલ મીડિયામાં તેમની સામે કરોડોની લેવડદેવડ લઈને વિદેશ ભાગી જવાની ચર્ચાઓએ વેગ પકડતા રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને લેણદારોના દબાણથી તેઓ દુબઈ ભાગી જવાની તૈયારી કરી હોવાની અફવાઓ પણ ઉડતા તેઓ સોશ્યલ મીડિયામાં સામે આવી આ તમામ અફવાઓને નકારી કાઢી હતી.
વિદેશ ભાગી જવાની સહિતની અફવાઓ સામે આજે જયંતીભાઈ રાજકોટીયા મીડિયાની સામે આવીને સ્પષ્ટતા કરી હતી કે, તેમની સામેની દુબઈ ભાગી જવાની અફવા તદ્દન ખોટી છે. તેમણે જણાવ્યું હતું કે પોતાના સંબંધિત મુદ્દો સંપૂર્ણપણે તેમના ખાનગી વ્યવસાય સાથે જોડાયેલો છે અને તે બાબતે કોઈ રાજકીય કે જાહેર જીવન સાથેનો પ્રશ્ન નથી. જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું કે, તેમના ધંધાકીય મામલામાં અંદાજે 70 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલું કાર્ય પણ આગામી એકાદ-બે વર્ષમાં પૂર્ણ થઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ સંપૂર્ણપણે મોરબીમાં હાજર છે, રોજ સવારમાં પક્ષના કાર્યાલયે આવે છે તથા ભાજપના તમામ કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે.
વિદેશ ભાગી જવાની અફવાઓ અંગે સ્પષ્ટતા કરતા તેઓએ જણાવ્યું કે દુબઈ કે અન્ય કોઈ દેશ જવાની વાતમાં કોઈ સચ્ચાઈ નથી. બે-ત્રણ વિઘ્નસંતોષી તત્ત્વો દ્વારા તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, જેના કારણે આવી ખોટી ચર્ચાઓ ફેલાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સાડા ત્રણસો કરોડ જેટલું કુલ દેવું હતું, જેમાંથી મોટો હિસ્સો ચૂકવાઈ ગયો છે અને હાલ અંદાજે સવા સો કરોડ જેટલું દેવું બાકી છે, જે પણ આગામી સમયગાળામાં પૂર્ણ થઈ જશે. લોકોમાં કોઈ ભય કે ગેરસમજ રાખવાની જરૂર નથી તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.