મોરબી : મોરબીમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા હમ હમેશ જરૂરિયાતમંદોની સેવા માટે તત્પર રહેતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા હાલમાં ચાલી રહેલા પુરુષોત્તમ માસની અગિયારસના શુભ અને પાવન દિવસે એક માનવતાધર્મી સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે કાળઝાળ ગરમીમાં પણ પેટ માટે સખત પરસેવો પાડી આકરી મહેનત કરતા રેકડીવાળા તેમજ ખુલ્લા તડકામાં બેસી વિવિધ સામાન વેચતા શ્રમિકોને 100 ઠંડા પાણીની બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નાનકડો સેવા પ્રયત્ન સખત ગરમીમાં તેમને થોડી રાહત અને સ્નેહનો અહેસાસ કરાવનાર રહ્યો હતો.
વિશેષ વાત એ છે કે અગાઉના સમયમાં જ્યારે ફ્રિજ ઉપલબ્ધ નહોતા, ત્યારે લોકો પાણી ઠંડું રાખવા માટે આવી વોટર બેગ્સનો ઉપયોગ કરતા હતા. મુસાફરી દરમિયાન તેમજ ઉનાળાની ગરમીમાં આ બેગ્સ ખૂબ જ ઉપયોગી માનવામાં આવતી હતી. આ બેગ્સમાં રાખેલું પાણી લાંબા સમય સુધી કુદરતી રીતે ઠંડું રહે છે તેમજ વીજળી વગર પણ પાણી ઠંડું રાખવાની સગવડ મળે છે. બહાર તડકામાં કામ કરતા લોકો માટે આ બેગ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.સાથે જ શરીરને તાજગી તથા રાહત આપે છે. મુસ્કાન વેલફેર સોસાયટીનું માનવું છે કે સેવા માત્ર મોટી મદદમાં નથી હોતી, પરંતુ કોઈ થાકેલા ચહેરા પર થોડી રાહત અને સ્મિત લાવવામાં પણ સાચી માનવતા વસે છે। આવા નાના પ્રયાસો જ સમાજમાં પ્રેમ, સહાનુભૂતિ અને એકબીજાપ્રત્યેની લાગણીને જીવંત રાખે છે. પુરુષોત્તમ માસની અગિયારસ જેવા પવિત્ર દિવસે કરવામાં આવેલ આ સેવા કાર્યનું વિશેષ આધ્યાત્મિક મહત્વ પણ છે, કારણ કે આવા શુભ અવસરે કરવામાં આવેલ દાન અને પરોપકારના કાર્યને ધાર્મિક રીતે વધુ પુણ્યદાયક અને સમાજ માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે.