સમગ્ર જિલ્લાનું લોગિન એક્સેસ આપવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત: ન્યાય નહીં મળે તો કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચેતવણી
મોરબી : મોરબી જિલ્લા લાયસન્સી સર્વેયર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સર્વેયરોના પડતર પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં આક્ષેપો કરાયા છે કે સર્વેયરો દ્વારા જમીન માપણીની કામગીરી પારદર્શક રીતે કરવામાં આવે છે, પરંતુ હાલની ક્લસ્ટરવાઈઝ અને તાલુકાવાઈઝ પદ્ધતિના કારણે સર્વેયરોની આવકમાં અસાધારણ અને અન્યાયી તફાવત ઊભો થયો હોવાથી અનેક પરિવારો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે.
એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં સમગ્ર જિલ્લાનું લોગિન એક્સેસ અને સમાન કાર્યક્ષેત્ર આપવું, માપણીના બિલોનું સમયસર અને નિયમિત ઓનલાઈન ચૂકવણું કરવું, મોંઘવારીને ધ્યાનમાં રાખી માપણી ફીના દરમાં સન્માનજનક સુધારો કરવો, લાયસન્સ રિન્યુઅલ પ્રક્રિયાનું સરળીકરણ કરવું તથા રેકોર્ડ અને નકશાઓ અગ્રતાના ધોરણે સરકારી ખર્ચે ઉપલબ્ધ કરાવવા જેવી માંગણીઓ સામેલ છે. આ ઉપરાંત ફિલ્ડ વર્ક દરમિયાન સર્વેયરોને કાયદાકીય અને વહીવટી રક્ષણ પૂરું પાડવા તેમજ પાંચ વર્ષથી વધુ અનુભવ ધરાવતા લાયસન્સી સર્વેયરોને સરકારી ખાતામાં કાયમી સમાવેશ કરવા પણ માંગ કરાઈ છે.
જો આ પડતર પ્રશ્નોનું વહેલી તકે વ્યાજબી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી તારીખ 15 ઓગસ્ટ 2026 થી મોરબી જિલ્લાના તમામ લાયસન્સી સર્વેયરો દ્વારા તાલુકાઓની તમામ કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. આ અંગેની રજુઆત મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને સેટલમેન્ટ કમિશનરને પણ કરવામાં આવી છે.