મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સ્ટેમ્પવેન્ડર વૃદ્ધએ ત્રણ વર્ષ પૂર્વે ધંધા માટે 11 લાખ વ્યાજે લઈ બાદમાં કટકે કટકે રૂ.2.43 કરોડ ચૂકવવા છતાં બે વ્યાજખોરોએ વૃદ્ધ પાસેથી વધુ નાણાં પડાવવા પઠાણી ઉઘરાણી કરી ઘરબાર વગરના કરી દેવાની ગર્ભિત ધમકી આપતા વ્યજખોર બંધુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા મૂળ ટંકારા તાલુકાના નેસડા ગામના વતની સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા ઉ.વ.60 નામના વૃદ્ધે વર્ષ 2023મા ધંધામાં જરૂરત પડતા આરોપી રમેશ રામજીભાઈ ભાલોડિયા અને આરોપી અશ્વિન રામજીભાઈ ભાલોડિયા રહે.આર્યનગર સોસાયટી, જીઆઇડીસી સામે વાળા પાસેથી 11 લાખ રૂપિયા દર અઠવાડિયે અને મહિને પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેમાં કટકે કટકે આરોપીઓને રૂપિયા 2.43 કરોડ ચૂકવી દીધા હોવા છતાં બન્ને આરોપીઓએ વધુ પૈસા પડાવવા વ્યાજની માંગણી કરી ઘરબાર વગરના કરી દેવાની ગર્ભિત ધમકી આપી પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા અંતે સુરેશભાઈએ બન્ને વ્યાજખોર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ અન્વયે ગુંન્હો દાખલ કર્યો હતો.