25 વર્ષથી સફાઈ કામ કરતા અન્ય 12 જેટલા સફાઈ કર્મીઓ ચાલુ ફરજે મૃત્યુ પામ્યા છતાં કોઈપણ જાતના હક્ક હિસ્સા કે પરિવારના સભ્યને કાયમી નોકરી પણ ન આપી
(રવિ બરાસરા-RB NEWS ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ) : મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને દોઢેક વર્ષ થયું છતાં શહેર અખાના સ્વચ્છ રાખી લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવાની જેના શિરે જવાબદારી છે તે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર રોજમદાર તરીકે કામ કરતા આશરે 23 જેટલા સફાઈ કર્મચારીઓની દશા જેસેથે જેવી જ રહી છે. 25 વર્ષથી લગાતાર સફાઈ કામ કરવા છતાં આ કર્મચારીઓ હજુ સુધી કાયમી તરીકે નોકરી આપવામાં આવી જ નથી. એટલું જ નહીં હવે મનપાનો કાર્યક્ષેત્ર વધતા સામે મહેકમ મુજબ સફાઈ કર્મીઓ ખૂબ ઓછા પડતા હોય અને કાયમી કર્મચારીઓની પણ મોટી ઘટ હોવાથી આ 23 કર્મીઓ ઉપર સફાઈના કામનો બોજ વધ્યો છે. પરંતુ એની સામે વેતન જરાય વધ્યું નથી. હજુ પણ કામનું ભારણ વધ્યું હોવા છતાં રોજનું માત્ર 500 રૂપિયા જ મહેનતાણું ચૂકવાય છે. જે આજની કાળઝાળ મોંઘવારીના સમયમાં આ સફાઈ કર્મીઓની ક્રૂર મજાક સમાન ગણાવાય રહ્યું છે. જો કે 25 વર્ષથી એકધારા સફાઈ કામ કરવા છતાં 23 રોજમદાર કર્મીઓનું નગરપાલિકા વખતથી વેતનમાં ભારે શોષણ કરવામાં આવી રહ્યું છે. એક તો આટલું ઘણું ઓછું વેતન હોય એમાં પણ ઘણીવાર માસિક વેતન સમયસર મળતું ન હોવાની ફરિયાદ સામે આવી છે. તેમજ આ સફાઈ કર્મીઓને કાયમી કર્યા ન હોવાથી ફંડ ફાળા, બીમારી કે અકસ્માતમાં આરોગ્યનું વળતર અને વધારાનું કામ કરે તો એનું યોગ્ય વેતન ચૂકવવું સહિતના હક્ક હિસ્સા ક્યાંથી મળે ? તેવો આ કર્મીઓ ઉંડા નિસાસા સાથે હૈયાવરાળ ઠાલવી છે. આ ઉપરાંત 25 વર્ષથી ફરજ દરમિયાન 12 જેટલા સફાઈ કર્મીઓ અગાઉ ચાલુ ફરજે મૃત્યુ પામ્યા છતાં કોઈપણ જાતના હક્ક હિસ્સા કે તેમના પરિવારના સભ્યને કાયમી નોકરી પણ ન આપતા ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
આટલા સામાન્ય વેતનમાં ઘરનું ગુજરાન માંડ ચાલે
દિવસે ને દિવસે મોંઘવારી વધતી હોય, હવે દરેક ચીજવસ્તુના ભાવો આસમાને આંબી રહ્યા હોય એની સામે પરિવારમાં કમાનાર એક વ્યક્તિ હોવ એટલે રોજના 500 રૂપિયા મહેનતાણામાં ઘર માંડ ચાલે ત્યાં સંતાનોને ભણાવવા, ક્યારેક કોઇ ઇમરજન્સી આવે તેમજ ઘણીવાર ઘરમાં કોઈ બીમાર પડે, મહેમાનો આવે કે સગા વ્હાલના પ્રસંગોમાં જવું અને સંતાનોના પણ પ્રસંગ હોય તો આ બંધો ખર્ચ ઉઠાવવામાં ઘણીવાર દેવું પણ કરવું પડે છે. છતાં અમારી વેદના તંત્રના બહેરા કાંને અથડાઈને પરત આવે છે. આનાથી મોટી કઈ કમનસીબી બીજી હોઈ શકે ?
- મહેશભાઈ મકવાણા, રોજમદાર
કામ પૂરું કરાવાય અને વેતનમાં શોષણ
શહેરમાં ખાસ કરીને ભૂગર્ભની ચોકઅપ થયેલી કુંડીઓની અંદર ઉતરીને સફાઈ કરવી મુશ્કેલ હોય છે. એમાં ગેસ ગળતરની પણ ભીતિ રહે છે. આમ છતાં જીવના જોખમે ભૂગર્ભ ગટરોની સફાઈ કરીએ છે. કામ તો પૂરતું લેવામાં આવે છે પરંતુ વેતનમાં શોષણ કરાય છે. નજીવા વેતનમાં ઘર ચલાવવું ખૂંબ કઠિન હોય લાંબા સમયથી કાયમી કરવા તેમજ હક્ક હિસ્સા કરવાની માંગ કરીએ છીએ, પણ આવાજ ઉઠાવવામાં ડરીએ. કારણ કે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર હોય ગમે ત્યારે છુંટા કરી દે તો બીજો કોઈ હુન્નર આવડતો ન હોય રોજીરોટી મેળવવા હવે જવું ક્યાં ? તેની ચિંતા સંતાવે છે.
-મયુરભાઈ મકવાણા, રોજમદાર
કાયમી કરવાના નામે ઉઠા જ ભણાવ્યા
20 વર્ષથી શહેરને સ્વચ્છ રાખવામાં અમે કોઇ કચાશ રાખતા નથી. મહેકમ ઓછું હોય એટલે કામ પુરૂપરું લેવામાં આવે છે. પણ કાયમી નોકરી આપી, વેતન વધારાવા, ચોથા કર્મચારી જેવા તમામ હક્ક હિસ્સા માંગીએ ત્યારે નગરપાલિકા હોય મહાનગરપાલિકા એમ બંને તંત્રએ અન્યાય જ કર્યો છે. આ મુદ્દે જ્યારે જ્યારે આવેદનપત્ર કે લડત ચલાવવામાં આવે ત્યારે ત્યારે તંત્રએ કાયમી નોકરી, ચોથા કર્મી જેવા હક્ક હિસ્સા આપવાની જગ્યાએ દરેક વખતે લોલીપોપ આપ્યો છે અને તંત્રએ હમેશા ખાતરીનું ગાજર આપીને ઉઠા જ ભણાવ્યા છે.
- વિઠલભાઈ સોલંકી, રોજમદાર
હવે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર નહિ પણ સીધા જ કાયદેસરની નિમણૂક આપો
મોરબી શહેરને સ્વચ્છ રાખવામાં આ કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા 23 જેટલા સફાઈ કર્મીઓ 25 વર્ષથી ભારે મહેનત કરે છે. એ પણ ચોથા વર્ગના કર્મચારીઓ જ ગણાય. ચોથા વર્ગના કર્મચારીઓએ આટલા વર્ષો કામ કર્યા હોય એના પગાર ધોરણ 80 હજારથી પણ ઉંચા હોય છે. આ ઉપરાંત હક્ક રજા, અકસ્માત વીમો, હેલ્થ સહિતના તમામ હક્ક હિસ્સા એમને મળતા હોય તો આ સફાઈ કર્મીઓને વર્ષોથી અન્યાય કેમ ? સરકારના અલગ અલગ વિભાગમાં અમુક વર્ષોથી સુધી નોકરી કરે એટલે સરકારી નિયમ મુજબ ફરજિયાત એમને કાયમી કરવા પડે તો શહેર આખાને સ્વચ્છ રાખવામાં જાત ઘસી નાખનાર 23 કર્મીઓને 20 કે 25 વર્ષથી લાંબી ફરજ બજાવવા છતાં પણ કાયમી કેમ કર્યા નથી ? વડાપ્રધાન મોદી આવા સ્વચ્છતા કર્મવિરોને ખૂબ જ માન આપ્યું હોય તેથી મ્યુનિસિપલ તંત્રની પણ ફરજ બને છે કે, આ સફાઈ કર્મીઓને હવે કોન્ટ્રાકટ બેઉઝમાંથી મુક્ત કરી કાયમી સરકારી નોકરી આપી સરકારી કર્મીની લાયકાત મુજબ જ તમામ મળવાપાત્ર હક્ક હિસ્સા આપે તેવી માંગ સાથે પૂર્વ નગરસેવકો સુરેશભાઈ શિરોહિયા અને જસવંતીબેન શિરોહિયાએ રૂબરૂ લેખિતમાં મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી છે.