એસઓજીએ દવાઓ, ઇન્જેક્શન તેમજ મેડિકલના સાધનો કબ્જે કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એકટ મુજબ કાર્યવાહી કરી
મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના કડીયાણા ગામે દરોડો પાડી કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક દવાઓ રાખી મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી દવાઓ, ઇન્જેક્શન તેમજ મેડિકલના સાધનો કબ્જે કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી એસઓજી પોલીસ ટીમે બાતમીને આધારે સ્થાનિક પોલીસને સાથે રાખી જુના દેવળીયાના તબીબી અધિકારીને સાથે રાખીને કડીયાણા ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન નરેન્દ્રભાઈ જયંતિભાઈ કૈલા નામનો શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી વિવિધ કંપનીની દવાઓ, ટેબલેટ, સીરપ, ઈન્જેક્શન, બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ અને સ્ટેથોસ્કોપ સહિત કુલ રૂ. ૪૪,૫૩૨નો દવાનો જથ્થો અને રોકડા રૂ. ૧,૧૫૦ મળી કુલ રૂ. ૪૫,૬૮૨નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા બાદ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં બીએનએસ કાયદાની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦, ૩૩ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.