Monday - Feb 17, 2025

નંબર પ્લેટ વગરના ડમ્પરો બેફામ દોડતા હોવા છતાં ઉની આંચ આવતી નથી

મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર અને રંગપર વચ્ચેનો રોડ એક તો ખૂબ જ ભંગાર હાલતમાં હોય અને ઉપરથી ઓવરલોડેડ વાહનોનું જોખમી પરિવહન થતું હોવાથી પરિસ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે. તેમાંય નબર પ્લેટ વગરના ડમ્પરો માતેલા સાંઢની માફક દોડતા હોવા છતાં આવા વાહનોને ઉની આંચ આવતી નથી. તેમાંય આ અંત્યત ખરાબ રોડ ઉપર નીકળતા ઓવરલોડ ડમ્પરોમાંથી રો મટીરીયલ સતત નીચે પડતો હોય પાછળ આવતા અન્ય વાહન ચાલકો ઉપર જીવનું  જોખમ રહે છે.

મોરબીના જેતપર અને રંગપર રોડ ઉપર અનેક સીરામીક એકમો ધમધમતા હોવાથી આ રોડ ઉપર 24 કલાક અસામાન્ય વાહન ઘસારો રહે છે. તેથી આ જેતપર અને રંગપર વચ્ચેનો રોડ લાંબા સમયથી ખંડિત થઈ ગયો છે. હવે તો આ રોડ એટલી હદે જોખમી બની ગયો છે કે, રોડ ઉપર ડામર રોડ કરતા ખાડા ટેકરા વધુ જોવા મળે છે. રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા છે  રોડની હાલત એકદમ ભંગાર હોય અને ઉપરથી ઓવરલોડ એટલે હદ બહારનો સીરામીકનો રો મટીરીયલ ભરીને નીકળતા ડમ્પરોથી પરિસ્થિતિ ઘણી જ ભયજનક બની જાય છે. જાગૃત નાગરિકોએ રોડની આવી હાલત અને ઉપરથી જોખમી રીતે આવા ડમ્પરોના પરિવહનનો વીડિયો બનાવીને આ છે પ્રગતિશીલ મોરબી એવા કટાક્ષ સાથે સોશ્યલ મીડીયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, અતિશય માલ ભરીને નીકળતા ડમ્પરોમાંથી સતત નીચે ધૂળ કે માટી પડતી રહે છે. ઉઓર ભંગાર રોડની ભયજનક હાલત પણ વીડિયોમાં દર્શાવી છે. આવા વાહનોને નબર પ્લેટ નથી. એવું દેખાઈ આવે છે. જાણે આરટીઓ સહિતના તંત્ર સાથે મિલીભગત હોય એમ આવા નંબર પ્લેટ વગરના વાહનો જાહેર માર્ગ ઉપર બેફામ દોડી રહ્યા છે. છતાં તંત્ર તેનું કઈ બગાડી શકતું નથી. રોડ ઉપર પ્રસાર થતા આવા જોખમી વાહનોમાંથી વધુ માલ ભરેલો હોય એ માલ એટલે કે માટી તેમજ પથ્થરો નીચે સતત પડતા હોય પાછળ આવતા નાના વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટી જાય છે  છતાં તંત્રને કઈ પડી જ એમ કઈ કાર્યવાહી ન થતા લોકોની સલામતી ભગવાન ભરોસે થઈ ગઈ છે