Thursday - Jun 11, 2026

માળીયાના જશાપર ગામ પાસેથી નીકળતા બાયપાસ સામે ખેડૂત આક્રોશ રેલી

માળીયાના જશાપર ગામ પાસેથી નીકળતા બાયપાસ સામે ખેડૂત આક્રોશ રેલી

નેશનલ હાઇવે ઓથોરિટી સાથે ટૂંક સમયમાં બેઠક યોજી પ્રશ્નનો ઉકેલ લાવવાની જિલ્લા કલેક્ટરની તૈયારી

મોરબી : માળિયા મિયાણા તાલુકાના જશાપર ગામ પાસેથી નીકળતા બાયપાસ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી મોરબીમાં ખેડૂત આક્રોશ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જેમાં NH151A (માળિયા-પીપળિયા માર્ગ) માટે જશાપર ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત નવા બાયપાસ રોડના જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને કારણે ગામના ખેડૂત પરિવારોને અતિ ગંભીર નુકસાન થવાની શક્યતા છે.

આવેદનમાં જણાવાયું છે કે પ્રાંત અધિકારી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર (NHAI) સાથે થયેલી વાતચીત મુજબ, મોટીબરાર ગામ પાસે આવેલા વળાંકને ટાળવા માટે આ નવો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ, પીપળિયા ચાર રસ્તાથી માળિયા સુધીનો જૂનો હાઇવે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેના નવીનીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ તેના કપાતનું આંશિક વળતર જુલાઈ 2022 ના રોજ ચૂકવાઈ પણ ગયું છે. હાલની જમીન સંપાદન અને નવા બનવા જઈ રહેલા રોડ વચ્ચેનું અંતર અંદાજિત 1 કિલોમીટરથી પણ ઓછું હોવાથી કુલ લંબાઈમાં માત્ર નજીવો ફેરફાર થાય છે. જૂના રોડ માટે ચૂકવણું થઈ ગયું હોવા છતાં આ નવો બાયપાસ કાઢવાનો કોઈ અર્થ સરતો નથી તેવો ખેડૂતોનો દાવો છે.

આ નવા પ્રોજેક્ટને કારણે ખેડૂતોની આજીવિકા પર સીધી અસર પડશે જેઓ સંપૂર્ણપણે ખેતી પર આધારિત છે. આ બાયપાસ રોડ બનવાથી 15 ખેડૂતોની આશરે 101 વીઘા જેટલી જમીન કપાતમાં જશે. અમુક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે સંપાદિત થઈ જશે, જ્યારે બાકીના ખેડૂતોની વધેલી થોડી-ઘણી જમીન ખેતી માટે બિન-ઉપયોગી બની જશે. વધુમાં, રોડ બનવાથી પાણીનો ભરાવો થશે, જેના કારણે 500 થી વધુ વીઘા ખેતીલાયક જમીન ડૂબ વિસ્તારમાં જવાની પૂરી સંભાવના છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે પ્રભાવિત ખેડૂત પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

માળીયાના જશાપર ગામ પાસેથી નીકળતા બાયપાસ સામે ખેડૂત આક્રોશ રેલી

આ જ પ્રશ્ન જશાપર ગામની સાથે ચાંચાવદરડા ગામમાં પણ ઉભો થયો હતો. જે બાબતે બંને ગામો દ્વારા અરજી આપવામાં આવી હતી. જેના આધારે NHAI દ્વારા ચાંચાવદરડા ગામને આ નવા પ્રોજેક્ટમાંથી બાકાત રાખીને જૂનો રોડ જ મંજૂર રાખી તેમની અરજી સ્વીકારવામાં આવી છે. જશાપર ગામના ખેડૂતોની માંગ છે કે જો બંને ગામનો એક જ પ્રશ્ન હોય અને ચાંચાવદરડાની અરજી મંજૂર કરવામાં આવી હોય, તો તેમના ગામ માટે પણ યોગ્ય ફેરવિચારણા થવી જોઈએ. અગાઉ પણ આ બાબતે યોગ્ય કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ અંતે ખેડૂત ખાતેદારોની સહીઓ સાથે નવો પ્રસ્તાવિત રોડ રદ્દ કરી, તેની જગ્યાએ જૂના રોડને જ વિસ્તૃત કરવા પ્રબળ માંગ કરી છે. આ રજૂઆતને અતિ-ગંભીરતાથી લઈ યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લેવાય તેવી ખેડૂતોની માંગ છે.

મોટાભેલા ગામના સામાજિક કાર્યકર મુળુભાઈ ગોવિંદભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, આ સૂચિત નવો રોડ પીપળિયા ચાર રસ્તાથી શરૂ કરી ચાચાવાદરડા અને સરવડ થઈને સીધો મોટાભેલાના પુલ પાસે કાઢવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી 15 જેટલા નાના અને સીમાંત ખેડૂતો સીધી રીતે પ્રભાવિત થઈ રહ્યા છે અને જમીન વિહોણા થવાના આરે છે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે અહીં 1500 વીઘા જેટલી જમીન માત્ર આહીર સમાજની નથી, પરંતુ તમામ વર્ગના ખેડૂતોની છે. જો જૂનો મૂળ રોડ જ રાખવામાં આવે તો સરકારને પણ ફાયદો છે અને તેના ચેક પણ અપાઈ ગયા છે, પરંતુ અચાનક આ નવો રૂટ કાઢીને ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પાડવામાં આવી છે. જો આ બાયપાસનું કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો તમામ ખેડૂતો આહીર સમાજ સાથે મળીને જલદ કાર્યક્રમ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે, તેમણે વહીવટીતંત્ર પર ન્યાય મળવાનો પૂરો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

જામનગર-માળિયા નેશનલ હાઈવે 4 લેન થાય છે, તેમાં જે જમીનની કપાત થાય છે તે ન થાય અને હાલના હયાત રોડ ઉપર 4 લેન બનાવવા માટેની રજૂઆત કરવા મોટી બરાર અને જસાપર ગામના ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કલેક્ટરે અમારી રજૂઆત ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પરામર્શ કરી ખેડૂતોના પ્રશ્નનું નિવારણ કરવા માટે સંતોષકારક જવાબ આપેલ છે. આગામી સમયમાં જો પ્રશ્ન હલ નહીં થાય તો ખેડૂતો જે નક્કી કરશે તે આગળની કાર્યવાહી કરીશું.

અન્ય એક ખેડૂતે જણાવ્યું કે આશરે 25 થી 30 ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે. જો એ હાઈવે બાયપાસ કાઢે તો જસાપર અને મોટી બરાર ગામને પાણીનો મોટો ભય રહેશે. જેવી રીતે આ જ હાઈવે ઉપર આમરણ ગામે જે બાયપાસ હતો તેને ફેરવીને ગામમાં હતો ત્યાં જ લીધો, તેવી જ રીતે જસાપર અને મોટી બરાર ગામના ખેડૂતોને ન્યાય મળે અને એ રોડ ત્યાં જ બને તેવી કલેક્ટરને રજૂઆત હતી. આશરે 500 થી 550 વીઘા જમીન ડૂબમાં જાય છે અને બંને ગામને પાણીનું જોખમ થશે. કુલ 20 ખેડૂતોની અંદાજે 2000 વીઘા જમીન પ્રભાવિત થશે.

ખેડૂત સવાભાઈ દેસાભાઈ કાનગડે જણાવ્યું કે સરકાર દ્વારા બાયપાસનું જે આયોજન કરેલ છે તે અમને માન્ય નથી. જૂનો રોડ જ ચલાવવામાં આવે તે અમારી માંગ છે અને એ રોડના જમીન કપાતના પૈસા પણ આપી દીધેલા છે. બાયપાસથી 2000 વીઘા જમીન ડૂબમાં જાય એવું અમારું અનુમાન છે. મારી પોતાની 40 વીઘા જમીન છે, તેમાંથી અડધી જમીન કપાતમાં જાય છે. ખેડૂતો આનાથી પાયમાલ થઈ જાય તેમ હોવાથી અમારો આ બાયપાસનો વિરોધ છે.

જસાપર ગામના ખેડૂત પ્રભાતભાઈ બેચરભાઈ કાનગડે જણાવ્યું કે અગાઉ અમારી જમીન કપાઈ છે એનું વળતર અમને મળી ગયું છે. હવે નવો બાયપાસ કાઢવામાં આવે તો 105 વીઘા બીજી જમીન કપાય એનો મતલબ શું? જસાપર અને મોટી બરાર બંનેને વળતર મળી ગયું છે, તો સરકારને વિનંતી છે કે આ નવી જમીન બહાર નીકળવી ન જોઈએ. અમને જૂનો રોડ કાઢે તેમાં કોઈ વાંધો જ નથી, પણ નવો બાયપાસ ન કાઢવો જોઈએ.