જેસીબી વડે 40 જેટલા ઝૂંપડાઓ અને ઝાડી ઝાંખરા દૂર કરવાની કાર્યવાહી
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે પુલ નીચે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં અંદાજે 40 જેટલા ઝૂંપડાઓ આજે હટાવવામાં આવશે. આ સાથે ઝાડી ઝાખરા પણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા આજે બુધવારે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલેશનની ઝુંબેશ રૂપે પુલ નીચે નદીના પટ્ટમાં ઝૂંપડપટ્ટી હટાવવાનું શરૂ કરાયું છે. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે મચ્છુ નદીના પટ્ટમાં 40 જેટલા દબાણકારોએ ઝૂંપડાઓનું દબાણ કર્યું છે. દર વર્ષે ચોમાસામાં પાણી આવે ત્યારે અહીં ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે. દર બે-ત્રણ મહિને પણ અહીં ડ્રાઇવ કરવામાં આવે છે. ગઈકાલે આ લોકોને જાણ કરવામાં આવતા તે લોકો સ્વયંભૂ દબાણ હટાવી રહ્યા છે. આ સાથે જેસીબી વડે ઝાડી ઝાખરા પણ હટાવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે.
અહીં ઘાસચારાનું વેચાણ કરવામાં આવતું હતું. તે પણ બંધ કરાવવામાં આવ્યું છે. અહીં કોઈ ઘાસચારો વેચતા જોવા મળશે તો તેમને પેનલ્ટી ફટકારવામાં આવશે. વધુમાં નદીના પટ્ટમાં ત્રણેક લોકેશનથી ભુગર્ભ મારફત વેસ્ટ ઠલવાય છે. અમારી કન્સલ્ટ કંપની મારફત ડીપીઆર તૈયાર કરી સરકારમાં મોકલાશે. બાદમાં આ વેસ્ટને પમ્પિંગ સ્ટેશન મારફત એસટીપી સુધી મોકલાશે. અહીં રાત્રી માર્કેટમાં 8 જેટલા સ્ટોલ છે તેને મંજૂરી આપી છે. તેઓ કચરો નદીના પટ્ટમાં ન ફેંકે તે માટે કચરો લેવાની વ્યવસ્થા પણ ગોઠવવાના આવી છે.
વધુમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે અહીં રવિવારી બજારમાં જે ફેરિયાઓ વેપાર કરે છે તેનું રજિસ્ટ્રેશન કોર્પોરેશન દ્વાર કરવામાં આવશે. 200 જેટલા ફેરિયાઓની યાદી તૈયાર થઈ ગઈ છે. તેઓ રોડ ઉપર નડતરરૂપ ન બને તેનું એસ્ટેટ શાખા ધ્યાન રાખશે.