અંદાજે રૂ.62 લાખની બજાર કિંમતની જમીન ખાલી કરાવી
મોરબી : મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ડીમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડીમોલિશન હાથ ધરાયું હતું.
ડીમોલિશન મામલે ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, બીકે બોરીચા અને જીગર નામના બે હિસ્ટ્રીશીટરો સામે પ્રોહિબિશન, મારામારી અને વ્યાજવટાવ સહિતના અનેક ગુનાઓ દાખલ થયેલા છે, તેઓ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાનો બનાવવામાં આવ્યા હતા. બંને પ્રોહી. બુટલેગર અને અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોના બોરીચાવાસમાં આવેલા મકાનો પર આજે કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે આ બંને શખ્સો દ્વારા સરકારી જમીન પર આશરે 642 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણવાળી જગ્યાની અંદાજિત કિંમત 62 લાખ રૂપિયા જેટલી થાય છે. આજે પ્રાંત અધિકારી, મામલતદાર ટીમ, પીજીવીસીએલ, મહાનગરપાલિકા, અને સિટી સર્વેની ટીમ સાથે મળીને મોરબી એ ડિવિઝન પીઆઇ અને તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.