મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુની ગતરાત્રે 11 વાગ્યે છેલ્લી ટ્રીપ હોય અને વાંકાનેર રેલવે જંકશનથી મોરબીના મુસાફરોને લઈને વાંકાનેરથી મોરબી તરફ આવતી વખતે આ ડેમુ ટ્રેન અધવચ્ચે બંધ પડી જતા રાત્રીના સમયે અનેક મુસાફરો ભારે હેરાન થયા હતા. જો કે રેલવે તંત્રએ ટેક્નિકલ ફોલ્ટથી આ ટ્રેન બંધ પડી હોવાનું કહી થોડીવારમાં ટેક્નિકલ ફોલ્ટ દૂર કરીને ટ્રેન ચાલુ કરી મુસાફરોને સલામત રીતે મોરબી પહોંચાડ્યા હતા.
વાંકાનેર રેલવે સ્ટેશને બીજી અન્ય ટ્રેનોના મુસાફરો મોરબી તરફ આવતા હોય નિત્યક્રમ મુજબ ગતરાત્રીના એ લાંબા અંતરની ટ્રેનોની રાહ જોઇને મોરબીના આવેલા મુસાફરોને બેસાડીને વાંકાનેરથી ગતરાત્રે 11 વાગ્યાની આસપાસ ડેમુ ટ્રેન મોરબી તરફ આવવા રવાના થઈ હતી. પરંતુ મોરબીના સમાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન નજીક આ ડેમુ ટ્રેન પહોંચડતા કોઈ યાંત્રિક ખામીને લીધે ડેમુ ટ્રેન બંધ પડી ગઈ હતી. આથી રાત્રીના સમયે ઘણા મુસાફરો અધવચ્ચે જ અટકી પડ્યા હતા. આ અંગે સ્થાનિક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ડેમુ ટ્રેનના એન્જીનમાં યાંત્રિક ખામીને કારણે ટ્રેન બંધ પડી હતી. જો કે ડ્રાઇવરે ટ્રેન ચાલુ કરવાનો અનેક પ્રયાસ કર્યા છતાં ચાલુ ન થતા આ અંગેની જાણ થતાં રેલવે તંત્રની ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે દોડી જઈને તાકીદે યાંત્રિક ખામીની મરમત કરી ટ્રેનને ચાલુ કરવી મુસાફરોને સલામત રીતે મોરબી પહોંચાડ્યા હતા. જો કે આવડા મોટા અને સીરામીક સીટી તરીખે વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીમાં સમ ખાવા પૂરતી એક આ એક જ નિયમિત ટ્રેન સેવા હોય અને એ ટ્રેન પણ આવી રીતે અવારનવાર બંધ પડી જતા મુસાફરોને હેરાન થવું પડતું હોય એ બાબત સમગ્ર રેલવે તંત્ર માટે શરમજનક કહેવાય અને કમસેકમ બીજી ટ્રેનો ન આપે પણ આ એક ટ્રેન ચાલુ હોય એ ટ્રેન બરોબર રીતે ચાલે એ માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું મુસાફરોએ અકરોશભેર જણાવ્યું હતું.