Sunday - May 31, 2026

મોરબીમાં સિનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને ટેક્સમાં રાહત આપવા માંગ

મોરબીમાં સિનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને ટેક્સમાં રાહત આપવા માંગ

વરિષ્ઠ નાગરિક મંડળની મ્યુનિ. કમિશનરને લેખિત રજૂઆત

મોરબી : મોરબીના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગો સહિતના જરૂરિયાતમંદો માટે કેટેગરીવાઇઝ જામનગર મહાનગરપાલિકાની જેવી જ ટેક્સની ખાસ રીબેટ યોજના અમલી બનાવવાની માંગ ઉઠી છે અને આ મામલે મોરબીના વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને સામાન્ય નાગરિકો માટે એડવાન્સ ટેક્સની ખાસ રિબેટ યોજના અમલી હોય તેવી કરરાહતની યોજના આ લોકો માટે અમલી બનાવવાની માંગ કરાઈ છે.

મોરબીના વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં હાલ એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા સામાન્ય નાગરિકોને 10% અને ઓનલાઇન ટેક્સ ભરનારાઓને 12% રાહત આપવામાં આવે છે. જો કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ એડવાન્સ ટેક્સ યોજના અંતર્ગત સમાજના વિવિધ વર્ગોને પ્રોત્સાહિત કરવા માટે 10% થી લઈને 25% સુધીની વિશેષ રાહત આપવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ રીબેટ યોજનાના આધારો ટાંકીને મોરબીમાં પણ નાણાકીય વર્ષ 2026-27 માં નીચે મુજબની વધારાની રાહતો આપવા અનુરોધ કરાયો છે.સિનિયર સિટીઝન માટે સામાન્ય 10% રીબેટ ઉપરાંત વધારાનું 5% એમ કુલ 15% વળતર, શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓ માટે સામાન્ય 10% ઉપરાંત વધારાનું 5% મળી કુલ 15% વળતર, બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓ માટે કુલ 15% વળતર, કન્યા છાત્રાલય, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમની સંસ્થાઓને કુલ 25% સુધીનું વિશેષ વળતર, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને ટેક્સમાં કુલ 25% ની મોટી રાહત આપવા વરિષ્ઠ નાગરિક મંડળ મોરબી દ્વારા જિલ્લા કલેક્ટર, મોરબી મહાનગરપાલિકાના મેયરને રજુઆત કરી છે.