વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા અભાગી ગામે ત્રણ જેટલા દિપડાએ 20 જેટલા ઘેટાનું મારણ કરતાં ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણકારી આપવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે, આજે 12 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ગામના કાનાભાઈ મેરાભાઈ ભરવાડના વાડામાં અંદાજે ત્રણ દિપડા દ્વારા હુમલો કરાયો હતો અને તેઓના વાડામાં રહેલા 20 જેટલા ઘેટાઓનું મારણ કરવામાં આવ્યું છે. આ બાબતની જાણ સરપંચ દ્વારા વન વિભાગને કરી આપવામાં આવી છે. તથા ગામ લોકોને ખુલ્લામાં તથા રાત્રિ દરમિયાન અવર જવર ન કરવા જણાવાયું છે.
મહત્વનું છે કે, ગઈકાલે મોરબીના ચકમપર ગામે પણ દિપડાએ દેખા દીધી હતી અને એક બકરીનું મારણ કર્યું હતું. જો કે વન વિભાગે આ દિપડાને પાંજરે પૂર્યો હતો. જો કે આજે ફરી વાંકાનેરના પીપળીયા અભાગી ગામે ત્રણ દિપડા આવી ચડ્યા હોવાની જાણકારી મળતા ફરી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.