ઈશા કારાવડિયાએ 97.60% ગુણ મેળવી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી: ઈશા સહિત ત્રણેય બહેનો વેકેશનમાં ક્લાસ ચલાવી પિતાને આર્થિક મદદ કરે છે
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામના ખેડૂત વિક્રમભાઈ કારાવડિયાની નાની દીકરી ઈશા કારાવડિયાએ CBSE બોર્ડના ધોરણ 10 ના પરિણામમાં 97.60% ગુણ મેળવીને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. આ ઐતિહાસિક સફળતાથી સાવડી ગામ સહિત આખા મોરબી જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને કારાવડિયા પરિવારમાં ગૌરવની લાગણી વ્યાપી છે. ચૌમેરથી ઈશા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
ઈશાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ટંકારા ખાતે પૂર્ણ કર્યા બાદ ધોરણ 6 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. તેની સખત મહેનત અને લગન થકી આજે તેણે જિલ્લામાં અવ્વલ નંબરે ઉત્તીર્ણ થઈને પરિવારનું નામ રોશન કર્યું છે. ખેડૂત પરિવારમાંથી આવતી દીકરીઓની આ સિદ્ધિ અને સંસ્કારિતા સમાજ માટે પ્રેરણાદાયક છે. ઈશાની મોટી 2 બહેનોએ પણ સાયન્સ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ત્રણેય બહેનો વેકેશન દરમિયાન મિડ-બ્રેઈનના ક્લાસ ચલાવે છે. આ ક્લાસ થકી તેઓ પોતાના પિતાને આર્થિક રીતે મદદરૂપ બનીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહી છે.