Friday - Apr 17, 2026

મોરબીમાં જોખમી બિલ્ડીંગનું છજુ પડ્યું, બે વાહનમાં નુકશાન, સદનસીબે જાનહાની ટળી

મોરબીમાં જોખમી બિલ્ડીંગનું છજુ પડ્યું, બે વાહનમાં નુકશાન, સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીના મુખ્ય બજાર વિસ્તાર નવા ડેલા રોડ ઉપર આજે બપોરના સમયે જોખમી બિલ્ડીંગનું છજુ અચાનક જ નીચે પડ્યું હતું. પણ બપોરનો સમય હોય કોઈ હાજર ન હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ આ જર્જરિત ઇમારતનો અમુક હિસ્સો નીચે પડતા નીચે રહેલા બે વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

મોરબીમાં જોખમી બિલ્ડીંગનું છજુ પડ્યું, બે વાહનમાં નુકશાન, સદનસીબે જાનહાની ટળી

મોરબીના નવા ડેલા રોડ ઉપર એક જોખમી કોમર્શિયલ ઇમારતનું એક તરફનું છજુ ધડાકાભેર તૂટી પડ્યું હતું. આથી આ જોખમી ઇમારત નીચે રહેલી એક માલ ભરેલી રીક્ષા અને એક ટાવેરા ગાડી એમ આ બન્ને વાહનોમાં નુકસાન થયું હતું. આ મામલે સ્થાનિક વડાવરિયા રજિયાબેન ઇરફાનભાઈએ જણાવ્યું કે, તેઓએ વારંવાર રજૂઆતો કરી છે પણ મહાપાલિકાએ થોડો જ ભાગ હટાવ્યો છે. તેથી કારને નુકસાન થયું છે. જો કે, બપોરનો સમય હતો એટલે કોઈ અહીંથી પસાર થઈ રહ્યું ન હતું. નહિતર અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. છજુ એક માલ ભરેલી ઓટો રીક્ષા માથે પડતા રિક્ષામાં મોટાપાયે નુકસાની થઈ છે. આ મામલે રીક્ષા ચાલકે જણાવ્યું જે તેઓને માલ લઈને ટંકારા જવાનું હતું અને માલ પણ રિક્ષામાં ભરાઈ ગયો હતો. તેઓ સામે ચા પીવા ગયા એટલી વારમાં જ આ જોખમી બિલ્ડીંગનું છજુ તેઓની રિક્ષાની માથે પડતા આ વાહનને ભારે નુકસાન થયું છે.

મોરબીમાં જોખમી બિલ્ડીંગનું છજુ પડ્યું, બે વાહનમાં નુકશાન, સદનસીબે જાનહાની ટળી