Friday - Apr 17, 2026

મોરબી નજીક બોલેરો ધ્યાન રાખીને ચલાવવાનું કહેતા બે વ્યક્તિ ઉપર હુમલો

મોરબી નજીક બોલેરો ધ્યાન રાખીને ચલાવવાનું કહેતા બે વ્યક્તિ ઉપર હુમલો

મોરબી : મોરબીના રંગપર નજીક વિરાટનગરથી આગળના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી બોલેરો ગાડી લઈને પસાર થઈ રહેલા બે શખ્સને ધ્યાન રાખીને ગાડી ચલાવવા માટે કહેતા તેઓને સારું નહીં લગતા બન્નેએ આધેડ સહિત બે વ્યક્તિઓ ઉપર લાકડી અને પાઇપ વડે હુમલો કરીને પગે અને માથામાં ગંભીર ઇજાઓ કરી હતી. જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલા (ઉ.વ.50)એ હાલમાં મહેશ છનાભાઇ ભરવાડ રહે. મચ્છુનગર રફાળેશ્વર તથા એક અજાણ્યો માણસ એમ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે કે, મોરબીના રંગપર જેતપર રોડ ઉપર વિરાટનગરથી આગળના ભાગમાં આવેલ તરલ ઇન્ડિયન ઓઇલ પંપ પાસેથી આરોપી મહેશ તેના હવાલા વાળી બોલેરો ગાડી નંબર જી જે 36 ટી 0713 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીએ તેને ગાડી ધ્યાન રાખીને ચલાવવા માટે કહ્યું હતું જે મહેશને સારું ન લાગતા તેણે ફરિયાદી તથા સાહેદ યોગેન્દ્રસિંહ ઝાલા (37)ને ગાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારે મહેશભાઈએ લાકડી અને પાઈપા વડે ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો અને સાહેદ યોગેન્દ્રસિંહને માથામાં માર મારીને હેમરેજ જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.