ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમવા આઇડી આપનાર ચારના નામ ખુલ્યા
મોરબી : આઇપીએલ ટી - 20 ક્રિકેટ ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કામાં છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસે શહેરના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલ સીટી મોલમાં શિવ ઇમ્પેક્સ નામની ઓફિસમાં મોટા પાયે રમાતો ક્રિકેટનો સટ્ટો ઝડપી લઈ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.સાથે જ આરોપીઓને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમવા આઇડી આપનાર રાજકોટ મોરબીના ચાર આરોપીઓના નામ પણ ખોલાવી નાખ્યા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સીટી મોલ બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલ શિવ ઇમ્પેક્સ નામની ઓફિસમાં અનિલ માવજીભાઈ ડાભી ઉ.વ.28 રહે.મેઘાણીની વાડી, નરસંગ ટેકરી પાછળ, રવાપર રોડ વાળો બહારથી માણસો બોલાવી આઇપીએલ ટી - 20 ક્રિકેટ મેચપર સટ્ટો રમાડી રહ્યો છે.જે બાતમીને આઘારે પોલીસે આરોપીના કબ્જાવાળી ઓફિસમાં દરોડો પાડતા આરોપી અનિલ માવજીભાઈ ડાભી, આરોપી બ્રિજેશ મનસુખભાઇ માલવાણિયા રહે.કન્યા છાત્રાલય રોડ, ધર્મજીવન સોસાયટી, આરોપી પરેશ નાગજીભાઈ પઢારિયા રહે.મંગલમ એપાર્ટમેન્ટ, બોનીપાર્ક, રવાપર રોડ, મોરબી અને આરોપી હર્ષદ લાલજીભાઇ પાસિયા રહે.સો ઓરડી, મોરબી વાળાઓ ઓનલાઈન રનફેરનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.બનાવ સ્થળેથી પોલીસે રોકડા રૂપિયા 15,600, સાત મોબાઇલ ફોન કિંમત રૂ.60 હજાર, ચાર વાહન કિંમત રૂપિયા 4.50 લાખ સહિત કુલ રૂ.5,26,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં ક્રિકેટ સટ્ટો રમવા માટેની આઇડી આરોપી હસુભાઈ ઠાકર રહે.મોરબી, બ્રિજેશ પડસુંબિયા રહે.વાવડી, મોરબી, આરોપી રજાકભાઈ રહે. રાજકોટ અને આરોપી જયદીપ પટેલ મોરબી વાળાએ આપી હોવાનું કબુલતા આરોપીઓના મોબાઈલ નંબર અને નામને આધારે કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી ફરાર ચારેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે