મોરબી : મોરબી - માળીયા હાઇવે પર ભરતનગર ફાર્મ પાસે ગત તા.28ના રોજ રોંગ સાઈડમાં આવેલ બાઈક ચાલકે બાઈકસવાર દંપતીને હડફેટે લેતા રોડ પર પડી ગયેલા દંપતીને અહીંથી પસાર થતા કન્ટેનરની ઠોકર લાગતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ બાદ બાઈક ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી - માળીયા હાઇવે પર ગત તા.28ના રોજ સવારના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલા અરવિંદભાઈ માવજીભાઈ જાદવ અને તેમના પત્ની ગીતાબેન રહે.સજ્જનપર તા.ટંકારા વાળાઓને રોંગ સાઈડમાંથી આવેલ અજાણ્યા મોટર સાયકલ ચાલકે હડફેટે લેતા દંપતી રોડ પર પટકાયું હતું. બરાબર આ સમયે અહીંથી પસાર થતા કન્ટેનર ટ્રકની ઠોકર લાગતા ફરિયાદી અરવિંદભાઈ તેમજ તેમના પત્ની ગીતાબેનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ બાઈક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે અરવિંદભાઈ જાદવની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.