Thursday - Jul 02, 2026

મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ અને લોકોની સુખાકારી માટે આધુનિક શાક માર્કેટનું નિર્માણ

મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ અને લોકોની સુખાકારી માટે આધુનિક શાક માર્કેટનું નિર્માણ


ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મનપાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન એટલે રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ અને ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મોરબીના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને શહેરના માધાપર ખાતે એક સુવિધાયુક્ત નવું શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને સુપરત કરી દેવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જ આ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક શાકભાજીના ધંધાર્થીઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને સ્થાનિક રહીશોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદીની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે શહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન એટલે રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મનપાએ સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક કરી રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરી આ પ્રોજેક્ટ દ્વારા વર્ષો જૂની જર્જરિત મિલકતોને સ્થાને અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરાયું છે.