રવિવારે ભગવાન મહાવીર સ્વામીના 14 સ્વપ્નાનું મંગલાચરણ, વીરના વધામણા, અનુમોદના,સળંગ 10 દિવસ ઓળીના તપસ્વીઓના પારણા કરાશે
મોરબી : મોરબીમાં જૈન સમાજમાં ભગવાન મહાવીરની જન્મજયંતીના પાવન અવસરે આત્મશુદ્ધિ માટે આયંબિલ ઓળી એટલે જપ, તપ, ઉપવાસની કઠોર તપસ્યાનું વધુ મહત્વ હોવાથી હાલ સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ, વિવેકમુનિ મહારાજ, ચિંતનમુનિ મહારાજ સાહિતના સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં દરરોજ જૈન સમાજના લોકો નકોળા ઉપવાસ કરીને કઠોર તપસ્યા કરી આત્મા તેમજ સમગ્ર જતનના કલ્યાણ માટે ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરી રહ્યા છે.
મોરબીમાં 24 માર્ચથી શાશ્વતી આયંબિલ ઓળી શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ 525 થી વધું લોકો આયંબિલ એટલે કઠોર તપસ્યા કરી રહ્યા હોય તેમાં હવે ઉમેરો થઈને રેકોર્ડ બ્રેક સંખ્યામાં 532 તપસ્વી તેમજ 2 સંત મહારાજ, 17 સાધ્વીજી મહારાજ, મળી કુલ 551 તપસ્વીઓ કઠોર તપ કરીને દેહશુદ્ધિ કરીને આત્માથી પરમાત્મા સાથે અનુસંધાન સાંધી પરમ આધ્યાત્મિકતા કેળવી રહ્યા છે. આ આયંબિલ ઓળીની તપસ્યા એટલી કઠોર હોય છે કે સળંગ 10 દિવસના ઉપવાસ કરવાના હોય છે. આ દિવસો દરમિયાન મન કર્મ, વચન અને અંતરના ઊંડાણથી પ્રભુની ભક્તિના સાગરમાં ડૂબકી લગાવવાની હોય છે. જેથી દેહ તમામ દુર્ગુણોથી દુર થઈને એકદમ આત્મશુદ્ધિ થવાથી જીવનનો પરમ આનંદ મળે છે. આ ભાવના સાથે તપસ્વીઓઆયંબિલ ઓળી કરી રહ્યા છે. તેમજ માનસ પરીક્ષા ઓપન બુક એક્ઝામ યોજાઈ હતી.જેમાં આચાર્ય ભાવચંદ્ર સ્વામીના જીવન ઝલકની પુસ્તિકા અનુભૂતિની અભિવ્યક્તિ ઓપન બૂક એક્ઝામમાં અરિહંત મુનિ અને વર્ધમાન મુનિની પ્રેરણાથી 125થી વધારે ભાવિકોએ પરિક્ષા આપી હતી. દરમિયાન 29 માર્ચને રવિવારે સવારે 9 વાગ્યે ભગવાન મહાવીર સ્વામીના 14 સ્વપ્નાનું મંગલાચરણ, વીરના વધામણા, સપના સોહામણાના ભક્તિસભર કાર્યક્રમો યોજાશે. તપની અનુમોદના કરી અને પુણ્યનું ઉપાર્જન કરી શકીએ એ માટે સળંગ 10 દિવસ ઓળીના તપસ્વીઓના પારણાના દિવસે બહુમાન કરવામા આવશે.