મોરબી : મોરબી અને માળીયા તાલુકાનાં ખેડુતોને કેનાલમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે. પણ દુઃખની વાત એ છે કે, હજુ સુધી ખેડૂતોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી મળતું નથી.જેથી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે વહેલી તકે ખેડૂતોને પાણી આપવાની રજુઆત કરી છે અને જો તા 5/6 સુધીમાં પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ સૌરાષ્ટ્ર શાખાના હેડ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લાના શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપુર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાટીલા, સુવવાવ, નવા ઘાંટીલા,, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી કેનાલ મારફત પુરૂ પાડવા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આજ દિન સુધી આ ગામોને આગોતરા વાવેતર માટે કેનાલમાંથી પાણી આપવામાં આવ્યું નથી. જેથી ખેડુતો આગોતરા વાવેતર કરી શકયા નથી. માટે ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડીને તાત્કાલિક ખેડૂતોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો તા.5/6 સુધીમાં સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો ખેડુતોને સાથે રાખી હળવદ-કચ્છ હાઈવે ઉપર બેસી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.