મોરબી : મોરબીમાં હરણફાળ વિકાસ કરીને આગવી કોઠાસૂઝથી શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતા વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સમાજના સીએ જેવી ડીગ્રી મેળવી મોભાદાર સ્થાન મેળવનાર સમાજના રત્નોનું સન્માન કરવા માટે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિધારત્ન અભિવાદન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વરિયા પ્રજાપતિ વિધોતેજક મંડળ (બોર્ડિંગ)ની યંગ ટીમ તથા મહિલા વિંગના સભ્યો તેમજ સમાજના તમામ ક્ષેત્રેના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનોની ઉપસ્થિતિમાં સમાજના બાળકો અને યુવાનોએ અદભુત વેશભૂષામાં અને સંગીતમય શૈલીમાં દેશભક્તિ અને સામાજિક ચેતનાનો સંદેશ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. તેમાં ખાસ કરીને ભારતીય સેનાની બહાદુરીનું ઓપરેશન સિંદૂર ઉપર વિદ્યાર્થીઓએ ભજવેલું સુંદર મજાનું નાટક આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.જ્યારે એન્કરોએ પોતાના અગવા અંદાજમાં એક પછી એક તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજ રત્નોના નામનું ઉદઘોષ કરતા આ તેજસ્વી વિદ્યાર્થીઓને રજવાડી ઠાઠમાઠથી વાજતે ગાજતે સ્ટેજ પર લઈ આવીને ગરિમાસભર સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક લૉનના વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા હતાં. તેમજ શિક્ષણ ક્ષેત્રે સરકારી લૉન, યોજના અને સરકારી નોકરી અંગે અવરનેશ કેળવવામાં આવી હતી. આ ઉપરાંત નાણાના અભાવે સમાજના આર્થિક રીતે પછાત પણ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે સમિતિ દ્વારા સુદામા યોજના ચલાવવામાં આવે છે. જેના હેઠળ અત્યાર સુધીમાં રૂ.4 લાખની ફી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ભરપાઈ કરી દેવામાં આવી છે.