Sunday - Jul 12, 2026

મોરબીમાં ફટાકડાનું લાયસન્સ બેને બદલે પાંચ વર્ષ માટે રીન્યુ કરવાની રજુઆત

મોરબીમાં ફટાકડાનું લાયસન્સ બેને બદલે પાંચ વર્ષ માટે રીન્યુ કરવાની રજુઆત

તમામ નિયમોનું પાલન થતું હોય રિન્યુનો સમયગાળો લાંબો રાખવાની ફટાકડા એસોસિએશનની માંગ

મોરબી :  મોરબી જીલ્લાના આશરે ૫૦ થી ૬૦ દુકાનદારો ફટાકડાનું નાના પાયે ટ્રેડીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ફટાકડા ટ્રેડીંગ માટે વખતો વખત સુધાર્યા પ્રમાણેના અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલા નિયમોને આધીન દર બે વર્ષના સમય માટે જ ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. ફટાકડા ટ્રેડીંગ દુકાનદારો, લાયસન્સ હોલ્ડરો સરકારના તમામ નિયમોનું અક્ષરશ: પાલન કરે છે. ફટાકડા એ પેટ્રોલ કે ડીઝલની માફક આપોઆપ સળગી ઉઠે એવો જવલનશીલ પદાર્થ નથી.આથી મોરબી જિલ્લાના ફટાકડા એસોસિએશન દ્વારા ફટાકડાનું લાયસન્સ બે વર્ષને બદલે પાંચ વર્ષ માટે રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. 

મોરબીમાં ફટાકડાનું લાયસન્સ બેને બદલે પાંચ વર્ષ માટે રીન્યુ કરવાની રજુઆત

ફટાકડાના દુકાનદારો, લાયસન્સ હોલ્ડરો નાની એવી દુકાનમાં જરૂરી ફાયર સેફટી માટેના ફાયર મોડયુલર, સીઝફાયરના બાટલા, પાણી, રેતી જેવા સાધનો ધરાવે જ છે અને સમય અનુસાર રીન્યુ પણ કરાવતા રહે છે. ફાયર વર્કસ (મેન્યુફેકચરીંગ+મેગેઝીન) અને ફાયર ક્રેકર ટ્રેડીંગ માટે અલગ અર્થઘટન હોવું જોઈએ જે ન હોવાથી અધિકારીઓને અર્થઘટન કરવામાં અસમંજસ થતી હોવાથી, ફાયર ક્રેકર ટ્રેડીંગ વાળાઓ માટે અલગ અધિકાર અથવા પરિપત્ર આપવામાં આવે તેવી માંગ છે.

કોઈ દુકાનદાર ફટાકડા બનાવવા કે મેગેઝીન મેન્યુફેકચરીંગ કરતા નથી કે જેમાં તેમને પાણીના સંગ્રહ માટે ૫૦૦૦ કે ૧૦,૦૦૦ લીટર ટાંકાની જરૂરીયાત ઉભી થાય. તેમ છતાં આ દુકાનમાં કોઈપણ કારણોસર આગ લાગે તો તેને બુઝાવવા માટે પાણી સંગ્રહીત વ્યવસ્થા રાખેલ જ હોય છે જેમાં જાનહાની થવાની કોઈ જ શકયતા રહેતી નથી. તે ઉપરાંત ફટાકડાની દુકાન જ એટલી નાની હોય છે કે ૫૦૦૦ કે ૧૦,૦૦૦ લીટર કેપેસીટીની ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો રાખવો શકય જ નથી. હાલમાં સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અમોને માત્ર બે વર્ષ માટે જ ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. તેની જગ્યાએ પાંચ વર્ષ માટે કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.