તમામ દવાઓ નહીં નફો નહીં નુકસાનના ધોરણે અપાશે, 50 ટકા રાહતભાવે રિપોર્ટ કરી અપાશે
મોરબી : મોરબીમાં નિરાધાર લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું પુણ્યશાળી કાર્ય કરતા ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ફરી એક સેવાપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. જેમાં દર્દીઓને તમામ દવાઓ એકદમ રાહતદરે મળી રહે તે માટે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના રામચોક ખાતે સિલ્વર પ્લાઝામાં આજે આ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ સ્ટોરમાંથી દરેક ડોક્ટરની પ્રિસ્કિપ્શન મુજબની દરેક દવાઓ પડતર ભાવે આપવામાં આવશે. તેમજ લેબોરેટરીમાં 50 ટકાના દરે તમામ રિપોર્ટ કરી આપવામાં આવશે.
નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરી રિબિન કાપીને રાહતભાવે મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય વર્ગના લોકોને દવા પાછળ ખૂબ જ ખર્ચ થતો હોય છે ત્યારે આ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર પરથી નહીં નફો નહીં નુકસાનના દરે લોકોને દવાઓ મળી રહેશે. હિરેનભાઈ દોશી આ કાર્યના મુખ્ય દાતા છે. આ મેડિકલ સ્ટોર પરથી પડતર ભાવે દવાઓ આપવામાં આવશે અને લેબોરેટરીમાં 50 ટકાના દરે રિપોર્ટ કરી આપવામાં આવશે. આ સેવા બદલ મેડિકલ સ્ટોરના તમામ આયોજકો અને દાતાઓને બિરદાવ્યા હતા અને વધુને વધુ લોકો પણ આ રાહતભાવે મેડિકલ સ્ટોરનો તેમજ લેબોરેટરીનો લાભ ઉઠાવે તેવો અનુરોધ કર્યો છે.