બેવડી હત્યા મામલે ફરિયાદ નોંધાયા બાદ બન્ને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની ચર્ચા
ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ગામે જમીનની માપણી સમયે શેઢા પાડોશી બે યુવાને ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને તેમના ભત્રીજાની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા બેવડી હત્યાના આ બનાવમાં બે સગાભાઈઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાએ આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તા.9ના રોજ બપોરના સમયે તેઓ તેમના બહેનના નામે આવેલ વાડીની માપણી કરાવતા હતા ત્યારે શેઢા પાડોશી મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના બન્ને પુત્રોને વાડીએ બોલાવી ફરિયાદીના બહેનની વાડીના હદ નિશાન નક્કી કરી જમીન માપણી અધિકારી કીર્તિભાઈ પટેલની હાજરીમાં ખુટા લગાવતા હતા.જો કે,શેઢા પાડોશી એવા આરોપી મહાવીરસિંહ અને તેજપાલસિંહને જમીન માપણી કરવાની બાબત સારી નહિ લાગતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના નાનાભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા ઉ.40 અને દીકરા હર્ષવર્ધન સિંહ ઉ.22 પર બન્ને આરોપીઓએ છરી વડે હુમલો કરી આડેધડ છરીના ઘા ઝીકી દેતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.બનાવ અંગે હાલ ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બેવડી હત્યા અંગે ગુન્હો દાખલ કરી આરોપીઓને દબોચી લેવા તજવીજ શરૂ કરી છે.નોંધનીય છે કે, મૃતક જયપાલસિંહ ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા. બન્ને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.