મોરબી : મોરબીના સરદાર રોડ પર ધરતી ટાવર પાસે મોબાઈલ તેમજ મની ટ્રાન્સફરની દુકાન ધરાવતા રાજસ્થાનના વતની વેપારી રાત્રીના સમયે દુકાન બંધ કરી રોકડ લઈ ઘેર જતા હતા ત્યારે રેલવે સ્ટેશન રોડ પર વેપારીના જુના ગ્રાહક એવા બે સરદારજીએ બાઇકમાં લિફ્ટ માંગી મંગલ ભુવન પાસે લઈ જઈ અંધારામાં બાઈક તેમજ રોકડા રૂપિયા 15 હજારની લૂંટ ચલાવી નાસી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના સરદાર રોડ પર ધરતી ટાવર પાસે મહાદેવ મોબાઈલ અને મની ટ્રાન્સફરની નામની દુકાન ધરાવતા અને નવલખી રોડ પર યમુના પાર્કમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ભૂરારામ નરસીરામ ચૌધરી ઉ.32 નામના યુવકે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે ફરિયાદી પોતાની દુકાન બંધ કરી વેપારના રોકડા રૂપિયા 15 હજાર લઈ ઘેર જતા હતા ત્યારે રેલવે સ્ટેશન પાસે એક ગ્રાહકે પોતાનો રિપેરમાં આપેલ મોબાઈલ માંગતા તેઓ ફરી દુકાન તરફ આવવા નિકળા હતા.
દરમિયાન ફરિયાદી રેલવે સ્ટેશન રોડથી દુકાને પરત જતા હતા ત્યારે રસ્તામાં આરોપી દેવાસિંગ ભરતસિંગ સરદારજી અને કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી રહે.બન્ને વીસીપરા વાળાઓએ રાડ પાડી ઉભા રાખતા ભુરાસિંહ ઉભા રહેતા બન્નેએ તું કઈ બાજુ જાશ તેમ પૂછી પોતાને પણ એ તરફ આવવું હોય બાઇકમાં લિફ્ટ માંગી હતી.જેથી ફરિયાદી ભૂરાસિંહએ બન્નેને બાઇકમાં બેસવાનું કહેતા દેવાસિંગએ કહ્યું હતું કે, મારો વજન વધુ છે તેથી હું બાઈક ચલાવી લઉ તેમ કહી બાઈક ચલાવવા લાગ્યો હતો.
બાદમાં બન્ને આરોપીઓએ અગાઉથી રચેલા કાવતરા મુજબ ભુરસિંહની દુકાન તરફ જવાને બદલે મંગલ ભુવન કબ્રસ્તાન તરફ અંધારી ગલીમાં બાઈક લઈ જતા ભૂરાસિંહે વિરોધ કરતા ચુપચાપ બેસી રહેવા જણાવી છરીની અણીએ ખિસ્સામાંથી 15 હજાર રોકડા કાઢી લઈ ધક્કો મારી પછાડી દઈ લૂંટ ચલાવી ભુરસિંહનું બાઈક લઈ નાસી ગયા હતા.બનાવ અંગે હાલમાં એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ લૂંટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.