બેઝિક ગુજરાત કેડર કોર્ષ માટે તાલીમમાં જવા આદેશ કરાયો છતાં મોરબી પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ આ આદેશની અવગણના કરીને તાલીમમાં ભાગ લેવા ન જતા ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી પોલીસ કર્મચારી સંજયકુમાર રાયધનભાઇ ડાંગર, આર્મ પોલીસ કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી, ખાલીદખાન રફીકભાઇ કુરેશી આર્મ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી અને મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકી આર્મ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી એમ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને બેઝીક ગુજરાત કેડર કોર્ષ (ADI Basic) તાલીમ માટે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે ટ્રેનીંગમાં જવા, છુટા કરવા છતા, પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજનો અનાદર કરી, કાયદેસરની ફરજ ઉપર હાજર નહી થઇ, મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહ્યા હતા. આ મામલે મોરબી પોલીસ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર સહદેવસિંહ માવસંગભા ચૌહાણ ફરિયાદી બની મહત્વની તાલીમમાં ગેરહાજર રહેવા બદલ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ત્રણેય પોલીસમેન વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે