ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાનો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરે ખાસ હાજરી આપી શ્રેષ્ઠ બાણાવણી અર્જુનની જેમ જ એક સારા લક્ષ્યને વળગી રહેવા અને ધ્યેયની પ્રાપ્તિ સુધી હતાશ કે હાર માન્યા વગર હકારાત્મક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહેવાની ઓમ શાંતિ વિદ્યાલયના વિધાર્થીઓને શીખ આપી હતી.
મોરબી જિલ્લા જી.ટી. પંડયાએ આજે સવારે મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયના (ટી.ડી. પટેલ સંચાલિત) વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાળા દ્વારા શિક્ષણમાં અનોખો પ્રયોગ કરી જે વિદ્યાર્થી હાજરી, લેશન, યુનિફોર્મમાં નિયમિત હોય, મંથલી ટેસ્ટમાં પૂરા માર્કસ મેળવતા હોય તેમજ શાળાની છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં પૂરા માર્કસ મેળવતા હોય તો તેમને લાલ સ્ટાર આપવામાં આવતા હોય અને આવા ૨૫ લાલ સ્ટાર ભેગા થાય તો તે પ્રતિભાવન બાળકોને તેમની પસંદગીના ઈનામો આપવામાં આવે, સાથે જે બાળકો ગયા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ નંબર પ્રાત કરેલા તેમને શિલ્ડ અને સર્ટીફીકેટ સાથે પસંદગીના ઈનામ કલેકટરના હસ્તે આપવામાં આવેલ હતા.
કલેકટર જી.ટી. પંડ્યાએ કોઈપણ ક્ષેત્રે કેરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડવા માટે પોતાના વકતવ્યમાં વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસ પ્રત્યે સજાગ રહેવા અને ધ્યેય હાંસલ કરવાની શીખ આપી હતી. શાળાના ટ્રસ્ટી ટી.ડી. પટેલે શાળાની શિક્ષણપધ્ધતિ અને ઈનામ વિતરણની ટુંકમાં માહિતી આપી હતી.