Sunday - May 03, 2026

"અમારા વિસ્તારમાં કેમ ભુંડ પકડવા આવો છો" કહી બે સરદારજી જૂથો વચ્ચે અથડામણ

હળવદના મિયાણી ગામે ભુંડ પકડવા બાબતે મારામારીમાં સામસામી ફરિયાદ

મોરબી : હળવદ તાલુકાના મિયાણી ગામે બે જૂથો વચ્ચે મારામારીની ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં બન્ને પક્ષની ફરિયાદના આધારે પોલીસે કુલ 12 શખ્સો સામે ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના રહેવાસી નારણસિંધ જરનેલસિંધ બગ્ગાએ હળવદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના સાથીઓ મિયાણી ગામે ભુંડ પકડવા ગયા હતા. ત્યારે ધ્રાંગધ્રા અને હળવદના રહેવાસી કિર્તીનસિંધે, બલદેવસિંધે, પ્યારાસિંઘ અને હરમિન્દરસિંધે "અમારા વિસ્તારમાં કેમ ભુંડ પકડવા આવો છો" તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ માથાના (કપાળના) ભાગે તલવારના ઘા ઝીંકી અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે હળવદના ગંગાનગર વિસ્તારમાં રહેતા હરમિન્દ્રસિંધ પ્યારસિંધ ટાંકે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ અને તેમના સાથી મિયાણી ગામે કામ અર્થે ગયા હતા ત્યારે જશબિરસિંધ, ગુરમુખસિંધ, નારણસિંધ અને જગજીતસિંધ ત્યાં આવ્યા હતા અને જોગિન્દ્રએ કરેલો કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યું હતું. કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને માર માર્યો હતો. થોડીવાર પછી મહેન્દ્રસિંધ, મનિન્દ્રસિંધ, ઓમકારસિંધ અને હરિસિંધ પણ ત્યાં ગાડીમાં આવી પહોંચ્યા હતા. આ તમામ ૮ શખ્સોએ ભેગા મળી ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હળવદ પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કુલ ૧૨ શખ્સો સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.