મોરબીમાં તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદથી ઠેરઠેર ગંદકી ઉદભવી છે. મોટાભાગની ગટરો ચોકઅપ હોય પાણીનો નિકાલ ન થવાથી ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો જમાવડો થયો હોય કચરાના ગંજમાં આવું પાણી ફેલાતા ગંદકી બેસુમાર થવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. ત્યારે આરોગ્ય તંત્રએ રોગચાળો અટકાવવા પગલાં લેવાની તમામ કામગીરી પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે.
જિલ્લા આરોગ્ય તંત્રના દાવા મુજબ મોરબી જિલ્લામાં અગાઉ રેડ એલર્ટની સંભાવના વ્યક્ત કરાઈ ત્યારથી જ જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ તમામ વિભાગોને તેમની કામગીરી અનુસાર ટીમની રચના કરવાની સૂચના આપી હતી. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ ટીમની રચના કરી પરિસ્થિતિ અનુસાર સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. નાના બાળકો, સગર્ભાઓ, બીમાર લોકો અને વૃદ્ધ લોકોને આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની તૈયારીઓના પગલે વરસાદી પરિસ્થિતિમાં સગર્ભા મહિલાઓની પ્રસુતિ અને બાળકો તેમજ બીમાર વ્યક્તિઓની સારવાર સહિતની વ્યવસ્થાઓ આશીર્વાદરૂપ સાબિત બની હતી. વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ વરસાદે વિરામ લેતા જ તાત્કાલિક ધોરણે વિવિધ ટીમની રચના કરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં રોગચાળા અટકાયતી કામગીરી મહદ અંશે પૂર્ણતાના આરે છે. હાલ પણ જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે.