Friday - Apr 24, 2026

મોરબીમાં રોજિંદા આખલા યુદ્ધના ભયાવહ સામે જાગૃત નાગરિકો લાલઘૂમ ખુટિયાઓ વચ્ચે યુદ્ધની લડાઈ બરોબરની જામી હોય હવે તો જીવવું હરામ થયું તો પણ તંત્ર જાગશે કે નહીં ?

મોરબીમાં રોજિંદા આખલા યુદ્ધના ભયાવહ સામે જાગૃત નાગરિકો લાલઘૂમ

ખુટિયાઓ વચ્ચે યુદ્ધની  લડાઈ બરોબરની જામી હોય હવે તો જીવવું હરામ થયું તો પણ તંત્ર જાગશે કે નહીં ?

સીરામીક નગરી તરીકે વિશ્વ વિખ્યાત મોરબી ઘણા સમયથી સમસ્યાનું ઘર બની ગયું હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામા તંત્ર ભારે ઢીલી નીતિ કરતું હોય અને ખાસ તો એક પ્રજાના સેવક તરીકે  તંત્રના અધિકારીઓ જે તે સમસ્યાની ફરિયાદ મળે કે તુરત એ ગુમડાની ચિકિત્સા કરી લોકોને રાહત આપવાને બદલે એટલી હદે બેદરકારી દાખવે છે કે, શહેરમાં ગટર, રઝળતા ઢોર, કચરાના ગંજ સહિતની ગંદકી જોયને શહેરના તમામ નાગરિકોને તંત્ર પ્રત્યે ભરોસો ઉઠી જાય અને અધિકારીઓ ઉપર નફરતની આંધી ઉઠે છે.

મોરબીના જાગૃત નાગરિકો રાજુ દવે, જગડીશ બાભણીયા, ચિરાગ સેતાએ નગરપાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, શહેરની અંદર અને બહારના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંમાં વર્ષોથી ઠેરઠેર રઝળતા ઢોરનો અડીગો છે. મોરબીના હાર્દ સમાન  નહેરુ ગેઇટ ચોક, સોની બજાર, ગ્રીન ચોક, શાક માર્કેટ, નહેરુ ગેઇટ ચોકથી છેક નગરપાલિકા કચેરી ગાંધી ચોક, લખધીરવાસ, વાવડી રોડ, શનાળા રોફ, સામાકાંઠાના દરેક વિસ્તારોમાં સહિત શહેરની દરેક શેરી ગલીઓમાં મોટી સંખ્યામાં રઝળતા ઢોરનો ત્રાસ હોવાથી આ દરેક જગ્યાએ ક્યારે આખલા યુદ્ધ થાય એ નક્કી જ હોતું નથી. રઝળતા ઢોરો ઘણી વખત એટલી હદે બુલ ફાઇટ કરે કે, જેને જોઈને સ્થાનિક લોકોમાં ભારે ગભરાહટ વ્યાપી જાય છે. અનેક વખત આખલાઓના દંગલથી અનેક લોકો ફગોળાઈ જાય છે અને તેને ગંભીર ઇજાની સાથે મોત પણ થાય છે. આમ છતાં તંત્ર રખડતા ઢોરને પકડવાનું કામ ન કરતા લોકોની સલામતી રામભરોસે થઈ ગઈ છે.

રઝળતા ઢોરને પાંજરાપોળમાં ખસેડયા બાદ આ પરિસ્થિતિ વકરી

રઝળતા ઢોર પ્રશ્ને અગાઉ નગરપાલિકાની બોડી  હરકતમાં આવી હતી અને પાલિકાની આ બોડીએ જીપ સાથે પશુઓને લઈ જવાનું મોટું લોખડનું સાધન વસાવી શહેરમથી રઝળતા ઢોરને આ ટિમ દ્વારા મહામહેનતે ઉપાડી પંચાસર રોડ ઉપર નદીઘર બનાવીને આવા ખુટિયાઓને પકડી પકડીને એક પછી એક એમ 500 જેટલા પશુઓ રાખવામાં આવ્યા હતા. પણ આ નદીઘરને નિભાવવા માટે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ હોવાથી  નદી ઘરને બંધ કરીને બધા પશુઓને પાંજરાપોળમાં મોકલી દીધા હતા.