મોરબીની સ્લેબ ટાઇલ્સ જે બિનજરૂરી સ્ટાન્ડર્ડ પાસ ન કરી શકે તે લાગુ કરવા ચીનના મરણીયા પ્રયાસને સિરામિક પ્રતિનિધિ મંડળે નિષ્ફળ બનાવ્યો
મોરબી : ઇન્ડોનેશિયામાં ISO-TC/189 ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કમિટીની બે દિવસની બેઠક યોજાઈ હતી. જેમાં વૈશ્વિક માર્કેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને અસ્તિત્વ જાળવી રાખવા અને ચીનની મોરબીના આ ઉદ્યોગને વૈશ્વિક માર્કેટમાંથી ખતમ કરવાની કોટે ટક્કર જેવી લડાઈમાં મોરબીના સીરામીક ઉધોગની જીત થઈ છે. આ બેઠકમાં સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કરવા માટે રો-મટિરિયલ્સ ઇમ્પોર્ટ કરવુ પડે અને પડતર કિંમત ઉંચી આવતા વૈશ્વિક માર્કેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ ટકી શકે નહી. આ બાબત ચાઇના સારી રીતે જાણતુ હોય પોતાની અનુકૂળતા મુજબ ISO સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવા ઇચ્છતું હતું. પરંતુ ચાઇનાની આ મેલી મુરાદને પારખીને સીરામીક સહિતના ભારતીય ડેલિગેશને બિન જરૂરી ટેસ્ટ- મેથડનો વિરોધ કરી સ્ટાન્ડર્ડ પાસ થવા દીધું ન હતું.
ગત વર્ષે ચાઇના ડેલિગેશન સ્લેબ ટાઇલ્સમાં ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા ઇચ્છતું હતું. સાથે તેઓએ આ ટેસ્ટ મેથડ પણ રજુ કરી હતી. ભારતીય ડેલિગેશન તરફથી આ ટેસ્ટનો જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ વિરોધને ટેકો આપવા માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીનું ડેલિગેશન પણ આગળ આવ્યું હતું. જેને પગલે કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી.(અમેરિકા) એ ભારતની તરફેણમાં નિર્ણય જાહેર કરી આ ટેસ્ટ રિજેક્ટ કર્યો હતો. આ બેઠકમાં પણ ચાઇના દ્વારા સ્લેબ ટાઇલ્સ માટે બીજું સ્ટાન્ડર્ડ ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ લાવવા માટે મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ભારતના ડેલિગેશન સાથે અન્ય દેશોએ વિરોધ નોંધાવતા ચાઇનાની કુટનિતીનો ફિયાસ્કો થયો હતો અને તેનુ છેતરામણી ભર્યુ સ્ટાન્ડર્ડ કેન્સલ થયુ હતુ. આમ આ વર્ષે પણ ચાઇનાને લપડાક લાગી હતી.