શિક્ષકો BLOની ફરજમાં હોવાથી શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયુ, શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટરને આવેદન
મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવાથી શિક્ષણકાર્યને મોટા પ્રમાણમાં અસર પહોંચી રહી છે. જેના વિરોધના શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર તંત્રને આવેદન આપવામાં આવ્યું છે. આ સાથે BLO ફોર્મની ઓનલાઈન કામગીરી તો કોઈ કાળે કરશે જ નહીં તેવું સ્પષ્ટ જણાવાયુ છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ તા. 4/થી 4/12 દરમિયાન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો દ્વારા ડોર-ટુ-ડોર જઈ એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત તા 7/02/2026 સુધી વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાના છે. આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી, જે અત્યંત કઠિન, સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે. જે અંગે સમગ્ર રાજ્યમાં શિક્ષકોની માંગણી અનુસાર અનુકૂળતા કરવામાં આવે. વધુમાં, કોઈ કારણસર શિક્ષક BLO કામગીરીમાં વ્યક્તિગત સામાજિક કે અન્ય કારણસર હાજર ન રહી શકે તો મામલતદાર/કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ ખૂબ દુઃખદ અને અપમાનજનક છે.
શિક્ષકો શિક્ષણકાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહે છેમ તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે. SIR ની કામગીરીમાં મતદારોને સમજાવીને કામ કરવાનું હોય છે. દરેક મતદાર પોતાનું ફોર્મ જાતે કરી શકે તેવું હોતું નથી. બીએલઓની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે જે પ્રકારની ફરજો હતી તેના કરતા વિશેષ કામ તથા ઓનલાઈન કામ ઉમેરાયું છે. શિક્ષકો તથા કર્મચારીઓ માટે સૌહાદપૂર્ણ વાતાવરણમાં સપોર્ટ સિસ્ટમ બનાવી રાષ્ટ્રીય કામગીરી સમયસર પૂર્ણ કરવા ખોટા દબાણ ઊભા ન કરવામાં આવે, શિક્ષકો BLOની ફરજમાં હોવાથી અત્યારે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયેલું છે. તેવામાં ઓનલાઈન જટિલ કામગીરી કરે તો આવતા ઘણો સમય સુધી શિક્ષણ કાર્યને અસર થશે. જેથી ઓનલાઈન કામગીરી શિક્ષકો કોઈ કાળે નહિ કરે.