મોરબી : મોરબી તાલુકાના ગોર ખીજડીયાથી નારણકા સુધીના બિસ્માર માર્ગના મુદ્દે નારણકા અને માનસર ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી રોડનું કામ સત્વરે પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં નવા રોડ બનાવવાને બદલે માત્ર પેચવર્ક કરવામાં આવ્યું છે, જે પણ હાલ અધૂરું છોડી દેવાયું છે.
મોરબીના માનસરથી નારણકા અને ગોર ખીજડીયાથી વનાળીયા વચ્ચેના માર્ગ પર પેચવર્કનું કામ અધૂરું મૂકી દેવામાં આવતા વાહનચાલકો અને અપડાઉન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પંચાયત પ્રતિનિધિઓએ આ બાબતને તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ફળતા ગણાવી છે. એક જ રસ્તા પર અધૂરું કામ છોડી દેવાતા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ગાંધી ચીધ્યા માર્ગે 'રસ્તા રોકો' આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.