મનપા પાસે કૂતરાને પકડવાના સાધન સરજામ અને સ્ટાફ ન હોવાથી લોકોની સલામતી રામભરોસે
મોરબી : મોરબીમાં ડોગ બાઈટ એટલે કૂતરા કરડવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. જેમાં 2026નું નવું વર્ષ શરૂ થયું એને હજુ માત્ર દસ દિવસ જ થયા ત્યાંજ મોરબી શહેરમાં કૂતરા કરડવાના 250 જેટલા કેસ સામે આવ્યા છે. જો કે ગત વર્ષ એટલે 2025ના આખા વર્ષમાં ડોગ બાઈટના 4579 કેસ નોંધાયા હતા. એની સરખામણીમાં આ નવા વર્ષના માત્ર થોડા જ દિવસના કૂતરા કરડવાના કેસ અનેકગણા વધુ છે. કારણ કે, હજુ આખું વર્ષ બાકી હોય ત્યારે ડોગ બાઈટના કેટલા કેસ સામે આવશે એ વિચારીને જ શહેરીજનો કંપારી છૂટી જાય છે. જો કે નગરપાલિકા હતી ત્યારે કૂતરા પકડવાના સાધનો કે સ્ટાફ ન હોય આવી સુવિધાઓ વધારવા જ નગરપાલિકામાંથી મહાપાલિકા તબદીલ કરી હતી. પણ એક વર્ષ પૂરું થવા છતાં મનપા લોકોને સુવિધાઓ આપવામાં ખાસ કંઈ ઉકાળી ન શકતા અને કૂતરા કરડવાના બનાવો ગંભીર રીતે વધવા છતાં મનપા પાસે કૂતરા પકડવા માટે સાધન સુવિધા કે એના માટેનો ખાસ સ્ટાફ જ ન હોવાથી કુતરથી હવે લોકોને ભગવાન જ રક્ષણ આપી શકે તેવી પરિસ્થિતિ સામે આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા, દેવેશ રાણેવડીયા, ગીરીશભાઈ કોટેચાએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી કે, મોરબી મહાનગરપાલિકાની રચનાને એક વર્ષ પૂરું થયું છતાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ભટકતા કૂતરાઓને પકડવા માટે એક ગાડી પણ વસાવી શકતું નથી અને કૂતરા પકડવાના સાધન, સ્ટાફ ન હોવાથી કૂતરા કરડવાના વધતા બનાવોથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ મહત્વની સુવિધાઓનો અભાવ એ મનપા માટે શરમજનક બાબત ગણાય છે. આમ છતાં રેઢિયાળ મનપા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું જ નથી. જેવી રીતે મનપા શહેરમાંથી રખડતું ભટકતા પશુઓને પકડે છે. એવી રીતે લોકોને હાનિ પહોંચાડતા કુતરાઓને કેમ પકડતા નથી ? જો કે મનપાની ઘોર બેદરકારીની હદ તો ત્યારે થઈ કે શહેરમાં તો કુતરાઓ રખડે જ છે. પણ મહાનગરપાલિકા કચેરીમાં પણ કૂતરાઓ આંટા મારે છે. શુ શ્વાન અધિકારીઓને દેખાતા નહિ હોય ! એટલું જ નહીં મોરબીમાં અનેક સરકારી કચેરીઓમાં શ્ર્વાનનો અડીગો હોય છે. છતાં કોઈ અધિકારીઓને આ કુતરાઓનો ત્રાસ દેખાતો નથી. દેશની સર્વોચ્ચ અદાલતે કૂતરા કરડવાના વધતા કેસને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારોને શ્ર્વાનોના આંતકને અંકુશમાં લેવા જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. તેમ છતાં મોરબી મહાપાલિકા દ્વારા કૂતરાઓના ત્રાસને અકુશમાં લેવા કોઈપણ જાતની અસરકારક કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકા વખતે જે બેદરકારી હતી. તેવી એટલે કૂતરા પકડવાના સાધનો અને સ્ટાફનો અભાવ મહાપાલિકાએ પણ જાળવી રાખી કુતરથી લોકોને રક્ષણ આપવાની પોતાની કોઈ જવાબદારી જ ન હોય એવી અક્ષમ્ય બેદરકારી દાખવી રહી છે. જો કે નિયમ એવો છે કે જે તે સ્થળે કુતરાઓનું ખસિકરણ કરીને ત્યાંજ છોડી દેવાના હોય છે. પણ મનપા પાસે આવો તાલીમ લીધેલો સ્ટાફ ન હોવાથી લોકોની સલામતી રામભરોસે થઈ ગઈ છે અને આવું જ રેઢિયાળપણું ચાલ્યું તો કૂતરા કરડવાના કેસથી હોસ્પિટલ ભરાઈ જશે. એ પહેલાં મનપાને સાધનો અને સ્ટાફ વસાવી લેવાની માંગ કરી છે.