Saturday - May 02, 2026

સીરામીકનો વિકાસ જરૂરી પણ જન આરોગ્યના ભોગે તો કોઈ કાળે નહિ પરવડે

સીરામીકનો વિકાસ જરૂરી પણ જન આરોગ્યના ભોગે તો કોઈ કાળે નહિ પરવડે

 મોરબી નજીક આવેલા મકનસર ગામને અજગરના ભરડાની જેમ પ્રદુષણ એટલી હદે ઘેરી વળ્યું છે કે, આજે ગ્રામજનો અને ઉદ્યોગકારો તેમજ કર્મચારીઓ અને મજૂરો સીરામીકના વિકાસથી ભલે ખુશહાલ બનીને જિંદગી જીવતા હોય અને સીરામીકના પ્રદુષણને હળવાશથી લઈ દરેક જગ્યાએ આવો ખતરો હોય જ એમ માનીને બિન્ધાસ્ત થઈ ગયા હોય પણ પાછળથી ઝેરી પ્રદુષણ એવો વિકરાળ પંજો મારશે કે ભવિષ્યમાં જન આરોગ્ય સામે મોટું સંકટ આવશે એવી ભીતિ સેવાય રહી છે.

મોરબી નજીક આવેલા મકનસર ગામના સરપંચ રેખાબેન દેગામાએ કહ્યું હતું કે, તેમના ગામની આશરે 18 હજાર જેટલી વસ્તી હોય ત્યારે આટલી મોટી વસ્તી સીરામીક, ખેતીવાડી, પશુપાલનનો ધંધો હોય ગામના દરેક વ્યક્તિ સારી રોજગારીથી ખુશહાલ જીવન જીવે છે. જો કે ખેતીમાં મોટું સંકટ છે. કારણ કે, ડેમ ભરાય જાય એટલે પાણી છોડાય ત્યારે ગામની ખેતી ડૂબમાં જતી હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાય જાય છે. આથી પાણી નીકળી જાય પછી વાવેતર થઈ શકે છે.આ ગામમાં 1થી 8ની પ્રાથમિક સ્કૂલ, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર, સ્વચ્છતા માટે ટ્રેકટર હોવાથી કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. પીવાના પાણીનું આ ગામને મોટું સુખ છે. સીરામીકના કારણે હવે આસપાસના ગામડાઓના રસ્તા વ્યવસ્થિત બની ગયા છે. જ્યારે આ ગામની આજુબાજુમાં અનેક સીરામીક એકમો ધમધમતા હોય પ્રદુષણનો ગંભીર પ્રશ્ન છે. એટલે વિકાસ થવો જોઈએ પણ ગામના આરોગ્યના ભોગે તો કોઈ કાળે ન થવો જોઈએ. એટલે ગામના સારા સ્વાસ્થ્ય માટે પ્રદુષણનો પ્રશ્ન વહેલીતકે દૂર થાય તે જરૂરી છે.