Tuesday - Jun 02, 2026

માળીયા (મી)માં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની અંધાધૂંધ ફાયરિંગથી હત્યામાં ભાજપ પ્રમુખ સહિત 6 સામે ગુનો દાખલ

માળીયા (મી)માં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની અંધાધૂંધ ફાયરિંગથી હત્યામાં ભાજપ પ્રમુખ સહિત 6 સામે ગુનો દાખલ

મોરબી : માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે ગેંગવોર જેવી ઘટનામાં સરાજાહેર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર કેટલાક શખ્સોએ અચાનક જ તેમના પર ફાયરિંગથી અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની લોથ ઢાળી દીધી હતી. ફાયરિંગથી હત્યાથી કાયદો અને વ્યવસ્થા પર ફરીથી ગંભીર સવાલો ઉઠ્યા હતા. જો કે સૌથી ચોંકાવનારી હકીકત એ સામે આવી હતી કે, ટ્રાન્સપોટરના આ ખૂની ખેલમાં.માળીયા તાલુકા ભાજપના પ્રમુખની સંડોવણી બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાયુ છે. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પત્નીએ માળિયા પોલીસ સ્ટેશનમાં માળીયા તાલુકા ભાજપના પ્રમુખ અને તેના ભાઈ સહિત કુલ 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.

માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમારભાઈ મોવર (ઉ.વ.51) નામના આધેડ સોમવારે સાંજે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કાર લઈને સફીર મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યાર બાદ હૈદરભાઈ ઉપર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી તેઓને છરા લાગ્યા હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા જેથી તેઓના બોડીને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા..આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે તથા હોસ્પિટલે પહોચી હતી અને મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું . વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર દ્વારા અંદાજે દોઢ વર્ષ પહેલા સફિરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે જૂની અદાવતનો ખાર રાખીને આ ઘટના બની હોવાની માહિતી પોલીસને મળી હતી .

હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરએ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માળીયા શહેર ભાજપના પ્રમુખ ઇલિયાસ મુસાભાઇ મોવર અને સફીર મુસાભાઈ મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી ઇલિયાસ અને સફીર સાથે ધંધા બાબતે મનદુખ ચાલતું હતું અને તે બાબતનો ખાર રાખીને ઇલિયાસના કહેવાથી સફીર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો ફરિયાદીના પતિની હત્યા કરવાનું કાવતરું રચીને સફીર સહિતના ચાર શખ્સો સ્વિફ્ટ ગાડીમાં આવ્યા હતા અને ત્યારે સફીરે બંદૂક જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું જેથી ફરિયાદીના પતિ હૈદરભાઈને માથા, ગળા, છાતીના અને પેટના ભાગે છરા લાગવાથી ગંભીર ઈજા થઈ હતી અને તેઓને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા જો કે ફરિયાદીના પતિનું મોત નીપજયું હોય હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.