Saturday - May 02, 2026

માળીયામાં રૂ.1.63 કરોડથી વધુના દારૂ બિયરના પ્રકરણમાં મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો દાખલ

માળીયામાં રૂ.1.63 કરોડથી વધુના દારૂ બિયરના પ્રકરણમાં મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો દાખલ

એસએમસીની ટીમની મોટાપાયે રેડથી સ્થાનિક પોલીસ ઉઘતી ઝડપાતા ખાતાકીય કાર્યવાહીની લટકતી તલવાર

મોરબી : પંજાબમાંથી રાજસ્થાન વાયા ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂ, બિયર ઘુસાડવાના ષડયંત્રનો એસએમસીએ પર્દાફાશ કર્યો છે. જેમાં માળિયાની ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમેં ત્રાટકી દારૂ બિયર લોડ કરીને ઉભેલા ટ્રકને ઝડપી લીધો હતો. એસએમસી ટીમે સ્થળ ઉપરથી ટ્રકમાં 19068 બોટલો જેની કિંમત 1.38 કરોડથી વધુના દારૂ બિયર સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. જો કે, મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ કચ્છ હાઇવે રોડ ઉપર માળીયાની ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા ટ્રક નંબર આરજે 7 જોડી 2852 ને એસએમસીના પી.એસ.આઇ. વી.એન. જાડેજા સહિતની ટીમે ચેકિંગ કરતા તે ટ્રકની અંદરથી 19,068 દારૂ બિયરની બોટલો મળી આવતા રૂ.1,38,04,080 નો દારૂ,25 લાખની કિંમતનો ટ્રક, 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, 23,580 રૂપિયા રોકડા અને અન્ય મુદ્દા માલ મળીને કુલ રૂ.1,63,51,160ના મુદામાલ સાથે આરોપી વિક્રમસિંહ નારણસિંહ ચૌહાણ તથા કમલકિશોર પ્રેમરામ મારુ રહે. બન્ને રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી.

માળીયામાં રૂ.1.63 કરોડથી વધુના દારૂ બિયરના પ્રકરણમાં મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો દાખલ

દારૂ પંજાબમાંથી રાજસ્થાન થઈ ગુજરાતમાં પહોંચ્યો

પકડાયેલા બે આરોપી ઉપરાંત મુખ્ય સપ્લાયર રમેશ લખમરામ જાટ રહે. ચંડી રામસર બાડમેર તેમજ બલવીર સોહનદાસ જાટ રહે. લોહર ગામ હનુમાનગઢ રાજસ્થાન, જબ્બર બીશ્નોઈ રહે. સાચોર રાજસ્થાન અને સામખયારી ખાતે ટ્રકમાં દારૂનો જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ, પંજાબના ભટિંડા ખાતે દારૂનો જથ્થો લોડ કરવા માટે ડ્રાઇવર પાસેથી ટ્રેકને છીનવી લેનાર અજાણ્યો શખ્સ, દારૂ બિયરનો જથ્થો લોડ કરીને વાહન આપી ગયેલ અજાણ્યો શખ્સ તેમજ ટ્રકના માલિક સહિત કુલ મળીને નવ શખ્સો અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. એસએમસીની રેડ દરમિયાન દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે તે તમામ જથ્થો પંજાબમાંથી રાજસ્થાન વાયા ગુજરાતમાં મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

સ્થાનિક પોલીસનું નેટવર્ક કાચું કે શંકાસ્પદ ભૂમિકા ?

એસએમસીન દરોડામાં સ્થાનિક જવાબદારી પોલીસ ઉઘતી ઝડપાઇ છે. પણ સૌથી ગંભીર સવાલ એ છે કે, ટ્રક રાજસ્થાનથી ગુજરાતની બોર્ડરમાં કેવી રીતે ઘૂસીને છેક મોરબી સુધી પહોંચી ગયો ત્યાં સુધી ગંધ ન આવી અને અહીંની પોલીસને બદલે છેક એસએમસીને ગંધ આવે ! તેથી શું સ્થાનિક પોલીસનું નેટવર્ક કાચું છે કે, શંકાસ્પદ ભૂમિકા જવાબદાર છે ? એટલે સ્થાનિક પોલીસ પર ખાતાકીય કાર્યવાહી નિશ્ચિત છે. જો કે અગાઉ એસએમસીએ દારૂનું મોટું ગોડાઉન પકડ્યું હતું. આવી રીતે અનેક વખત બહારની.પોલીસ દારૂ પકડે ત્યારે માત્ર બદલી કે અમુક સમય સુધી સસ્પેન્ડ સુધીની જ કાર્યવાહી થાય છે. પણ હકીકતમાં જ્યાંથી બીજા રાજ્યમાંથી ગુજરાતની સરહદે દારૂ ઘૂસડાય છે ત્યાં કેમ કોઈ જડબેસલાક કાર્યવાહી થતી નથી. ત્યારે હવે આ પ્રકરણમાં  પણ દર વખતની જેમ તપાસનું ફીડલું જ વાળી દેવાશે કે કે કેમ ?