Monday - Aug 10, 2026

‘એક દેશ, એક આંદોલન’નો લલકાર : ગુજરાતી લાઠી વરસસે તો દેશભરમાં સરકારી કચેરીઓને ઘેરાશે

‘એક દેશ, એક આંદોલન’નો લલકાર : ગુજરાતી લાઠી વરસસે તો દેશભરમાં સરકારી કચેરીઓને ઘેરાશે

મોરબીના રવાપરની ખેડૂત મહાસભામાં રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું એલાન; ગુજરાતના ખેડૂતો પર દમન થશે તો યુપી, હરિયાણા-પંજાબમાં પણ મોરચો, બીજા રાજ્યમાં લાઠીચાર્જ થશે તો ગુજરાતમાં પડઘો પડશે

મોરબી : મોરબી જિલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા રવાપર ખાતે યોજાયેલી વિશાળ ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત અને નેતા યુધવીરસિંહની હાજરીમાં ખેડૂતોના આંદોલનને રાષ્ટ્રીય સ્તરે એકસૂત્રમાં બાંધવાની ‘એક દેશ, એક આંદોલન’ની લલકાર કરવામાં આવી હતી. રાકેશ ટીકૈતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે ગુજરાતના ખેડૂતો ઉપર લાઠી ચલાવવામાં આવશે તો તેની અસર માત્ર ગુજરાત સુધી સીમિત નહીં રહે; અન્ય રાજ્યોમાં પણ કલેક્ટર કચેરી, એસએસપી કચેરી અને પોલીસ મથકોનો ઘેરાવ કરવામાં આવશે. એ જ રીતે દેશના અન્ય કોઈ રાજ્યમાં ખેડૂતો પર દમન થશે તો ગુજરાતના ખેડૂતો પણ તેમની પડખે ઊભા રહી મોરચો માંડશે.

ગુજરાતમાં લાઠી ચાલશે તો બીજા રાજ્યોમાં પડઘો પડશે : ટીકૈત

રાકેશ ટીકૈતે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશમાં એક ચલણ છે અને ‘એક દેશ, એક ચૂંટણી’ની ચર્ચા થાય છે, ત્યારે હવે ખેડૂતો પણ એક દેશ, એક આંદોલનની દિશામાં આગળ વધશે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો, ગામડાં અને યુવાનોના પ્રશ્નો એકસરખા છે, તેથી તમામ સંઘર્ષોને એક મંચ પર લાવવાની જરૂર છે.
 

‘એક દેશ, એક આંદોલન’નો લલકાર : ગુજરાતી લાઠી વરસસે તો દેશભરમાં સરકારી કચેરીઓને ઘેરાશે

તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે મોરબી કે ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ અથવા દમન કરવામાં આવશે તો એ જ દિવસે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિતના રાજ્યોમાં ખેડૂત સંગઠનો સરકારી કચેરીઓ અને પોલીસ મથકોનો ઘેરાવ કરશે. ગુજરાત બહારના રાજ્યમાં ખેડૂતો ઉપર કાર્યવાહી થશે તો તેનો જવાબ ગુજરાતમાં પણ આંદોલન દ્વારા આપવામાં આવશે.

‘ગુજરાતનો ખેડૂત સૂતો નથી, હવે અંગડાઈ લીધી છે’

સભામાં યુધવીરસિંહે જણાવ્યું હતું કે ભારતીય કિસાન યુનિયન દ્વારા દેશભરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને જાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા સાડા ત્રણ દાયકામાં ગુજરાતના ખેડૂત અંગે એવી છાપ ઊભી કરવામાં આવી હતી કે અહીંનો અન્નદાતા શાંત છે અને પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો નથી. પરંતુ મોરબીમાં ચાલી રહેલી લડતથી હવે સ્થિતિ બદલાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

‘ગુજરાતે હવે અંગડાઈ લીધી છે અને ક્રાંતિનો આગાઝ થઈ ચૂક્યો છે’ તેમ કહી યુધવીરસિંહે ઉમેર્યું હતું કે ખેડૂતોમાં આવેલી આ જાગૃતિને હવે રોકવી સરળ નહીં રહે.


 

‘એક દેશ, એક આંદોલન’નો લલકાર : ગુજરાતી લાઠી વરસસે તો દેશભરમાં સરકારી કચેરીઓને ઘેરાશે

18 કલાક પરસેવો વહાવ્યા બાદ પણ દેવાના બોજ હેઠળ

ખેડૂત પરિવારોની આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં યુધવીરસિંહે જણાવ્યું હતું કે અન્નદાતા પરિવાર દિવસના 24 કલાકમાંથી લગભગ 18 કલાક ખેતી અને પશુપાલનમાં પરસેવો પાડે છે. વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પરિવારના સભ્યો ખેતર અને પશુપાલનના કામમાં જોડાયેલા રહે છે, છતાં અનેક ખેડૂતો બેન્ક તથા સાહુકારોના કરજમાંથી બહાર આવી શકતા નથી.

તેમના જણાવ્યા મુજબ ઉત્પાદન વધે ત્યારે બજારમાં પાકના ભાવ ઘટી જાય છે અને ઉત્પાદન ઓછું થાય ત્યારે પણ નુકસાન ખેડૂતને જ સહન કરવું પડે છે. સરકારની નીતિઓને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરતી ન હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોને મળતી વાર્ષિક રૂ.6 હજારની સહાય સામે એમએસપીના હિસાબે રૂ.60 લાખ કરોડ બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

વીજ ટાવર લાઈનોના મુદ્દે સરકારને ઘેરી

ખેડૂતોના ખેતરો વચ્ચેથી પસાર થતી વીજ ટાવર લાઈનો અંગે યુધવીરસિંહે સરકારની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ લાઈનો જાહેર ઉપયોગ માટે નહીં પરંતુ ખાનગી કંપનીઓના વીજ વ્યવસાય માટે નાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જો વીજળીનો વેપાર ખાનગી કંપનીનો છે તો સરકાર કંપની અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા કેમ ભજવી રહી છે? સરકાર કોઈ કંપનીની ‘કમિશન એજન્ટ’ની જેમ વર્તવાને બદલે ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપે તેવી માગ તેમણે કરી હતી.


 

‘એક દેશ, એક આંદોલન’નો લલકાર : ગુજરાતી લાઠી વરસસે તો દેશભરમાં સરકારી કચેરીઓને ઘેરાશે

ખેડૂતોની સંમતિ વિના ખેતરોમાં ટાવર નખાશે તો  તેને કોઈ કાળે ચલાવી લેવાશે નહિ

યુધવીરસિંહે વીજ કંપનીઓને ખેતરોની વચ્ચે ટાવર ઉભા કરવાને બદલે શક્ય હોય ત્યાં સુધી હાઈવે અને સરકારી રસ્તાઓની આસપાસથી વીજ લાઈનો પસાર કરવાની રજૂઆત કરી હતી. ખેડૂતની જમીન અનિવાર્ય હોય તો કંપનીએ સરકારી તંત્ર મારફતે દબાણ કરવાને બદલે જમીન માલિક સાથે સીધી વાતચીત કરી યોગ્ય સોદો કરવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ખેડૂતોની સંમતિ વિના ખેતરોમાં ટાવર લાઈન નાખવાનો પ્રયાસ કરવામાં આવશે તો ભારતીય કિસાન યુનિયન ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભું રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જરૂર પડ્યે આ લડતને રાજ્યની સરહદો પાર લઈ જઈ દેશના અલગ-અલગ રાજ્યોમાં આંદોલન ઊભું કરવાની લલકાર પણ કરવામાં આવ્યો હતો. રવાપરની મહાસભામાં થયેલા આ એલાનથી જેતપરથી શરૂ થયેલી વીજ વળતરની લડતને હવે રાષ્ટ્રીય ખેડૂત આંદોલન સાથે જોડવાનો પ્રયાસ સ્પષ્ટપણે સામે આવ્યો છે.