Tuesday - Oct 27, 2026

મોરબીમાં મકાનમાં નશીલા દ્રવ્યનો ધીકતો ધંધો, રૂ.60 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

મોરબીમાં મકાનમાં નશીલા દ્રવ્યનો ધીકતો ધંધો, રૂ.60 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

નવલખી રોડ પરના રહેણાંક મકાનમાં નશીલા પદાર્થનો સંગ્રહ કરી વેચાણ થતું હોવાની બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગની કાર્યવાહી, ડ્રગ્સ સહિત રૂ.70,920નો મુદ્દામાલ જપ્ત

મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા રોયલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન નામના નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઇલ ફોન અને વજનકાંટા સહિત કુલ ₹70,920નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે 27 વર્ષીય યુવકને ઝડપી પાડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઈ. ડી.વી. ખરાડી અને પી.એસ.આઈ. એન.એચ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે નવલખી રોડ પર કુબેરનગર-3 પાસે આવેલા રોયલ પાર્કમાં એક મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની અને ત્યાંથી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી.
 

મોરબીમાં મકાનમાં નશીલા દ્રવ્યનો ધીકતો ધંધો, રૂ.60 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

બાતમીના આધારે પોલીસે સંબંધિત મકાનમાં તપાસ કરતાં રેનીશભાઈ હીરાભાઈ પરેશા (ઉં.વ. 27) પાસેથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થાની કિંમત ₹60,420 આંકવામાં આવી છે. આ ઉપરાંત ₹10,000નો મોબાઇલ ફોન અને ₹500નો વજનકાંટો પણ મળી આવતાં પોલીસે તમામ સામગ્રી કબજે કરી હતી. આમ, જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹70,920 થાય છે.

પોલીસે રેનીશભાઈ હીરાભાઈ પરેશા, રહે. રોયલ પાર્ક, કુબેરનગર-3 પાસે, નવલખી રોડ, મોરબી, વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી મળી આવેલા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને કોને વેચાણ માટે આપવામાં આવતો હતો તે સહિતની કડીઓ શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.